અમરેલી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે રોડ એન્જિનિયરિંગ અને સલામતી સંબંધિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સ્પીડ લિમિટ, સાઇનેઝ બોર્ડ, વૃક્ષોનું સમયસર ટ્રિમિંગ, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ અને કેટ આઈઝ લગાવવા અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં માર્ગ સલામતી અંગે શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો તેમજ રોડ સેફ્ટી અવેરનેસ અભિયાન પણ યોજાયા હોવાનું જણાવાયું હતું. જુલાઈ-૨૦૨૬ દરમિયાન આરટીઓ દ્વારા ઓવરલોડ વાહનો, હેલ્મેટ, સીટ બેલ્ટ, બ્લેક ફિલ્મ, પીયુસી અને વધુ ઝડપ સહિતના કુલ ૧૪૧૮ કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. બેઠકમાં વિવિધ વિભાગોની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. વાહનચાલકોને મોબાઇલનો ઉપયોગ ટાળવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.










































