અમદાવાદ શહેરમાં પડેલા સરેરાશ ૧૧ ઈંચ જેટલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને કારણે પશ્ચિમ વિસ્તારો, સોસાયટીઓ અને કોમર્શિયલ બિલ્ડીંગોના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં નાના-મોટાં મળીને અંદાજે ૧૯૦૦૦ જેટલાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
વરસાદી પાણીમાં અંદાજે ૪૦૦૦થી વધુ કાર અને ૧૨૦૦૦થી વધુ ટુ-વ્હીલરો ગરકાવ થઈ ગયાં હતાં. વાહનો બંધ પડી જતાં અને તેને મોટું નુકસાન પહોંચતાં વર્કશોપ, સર્વિસ સ્ટેશનો અને વીમા કંપનીઓ પાસે દાવા (ક્લેમ) તથા પૂછપરછ માટે ગ્રાહકોનો અચાનક ૧૦ ગણો ઘસારો વધી ગયો છે.
વીમા કંપનીઓ પોતાના મનઘડત અને કડક નિયમો ઘડીને ગ્રાહકોને હેરાન કરી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. કાર જા ક્રેન દ્વારા સીધી વર્કશોપ પહોંચાડવામાં આવે તો જ ૧૦૦% વીમો પાસ થાય છે. જા વાહનમાલિક પોતે જાતે કાર સ્ટાર્ટ કરીને લઈ જાય તો પૂરેપૂરું વળતર મળતું નથી. ટુ-વ્હીલરમાં વીમા કંપનીઓ વીમો પાસ જ કરતી ન હોવાથી તમામ આર્થિક બોજ માલિકે જાતે જ વેઠવો પડે છે. સરકારે આ બાબતે મધ્યસ્થી કરીને વરસાદથી ખરાબ થયેલાં તમામ વાહનો માટે ૧૦૦% વીમો ચૂકવવાનો આદેશ આપવો જાઈએ. વીમા ક્લેમ મેળવવા માટે પાણીમાં ડૂબેલા વાહનના ફોટા પુરાવા તરીકે સાચવી રાખવા અત્યંત જરૂરી છે.
વરસાદી આફતનો લાભ ઉઠાવીને સ્થાનિક કારીગરોથી લઈને ક્રેન ઓપરેટરોએ વાહનચાલકો પાસેથી આડેધડ રૂપિયા વસૂલ્યા હતા. રસ્તા પર બંધ પડેલાં સામાન્ય ટુ-વ્હીલર માત્ર સ્ટાર્ટ કરી આપવાના કારીગરોએ રૂ. ૧૦૦થી ૨૦૦ વસૂલી લીધા હતા. સામાન્ય દિવસોમાં જે ક્રેનનો ચાર્જ રૂ. ૫૦૦થી ૧૦૦૦ હોય છે, તે ક્રેન ઓપરેટરોએ મજબૂરીનો લાભ લઈને અંતર મુજબ રૂ. ૩૦૦૦થી ૫૦૦૦ સુધીનો ચાર્જ વસૂલ્યો હતો.
પાણીના તીવ્ર વહેણમાં ૩૦૦થી વધુ વાહનોની એચએસઆરપી નંબર પ્લેટો વહી ગઈ છે. નિયમ મુજબ આર.સી. બુકની ઝેરોક્ષ અને સેલ્ફ-ડેક્લેરેશન આપીને નવી પ્લેટ મેળવી શકાય છે. તેમ છતાં, ડીલરો બિનજરૂરી રીતે પોલીસ ફરિયાદનો આગ્રહ રાખી રહ્યા છે. આરટીઓના મૌનનો લાભ ઉઠાવીને ડીલરો રૂ. ૨૦૦ની પ્લેટ માટે ગ્રાહકો પાસેથી રૂ. ૧૦૦૦ સુધીનો વસૂલો કરી રહ્યા છે.
આધુનિક કારોમાં સાયલન્સર અને એન્જિન કન્ટ્રોલ મોડ્યુલ જેવા અત્યંત સંવેદનશીલ ઈલેક્ટ્રોનિક સેન્સર્સ ગાડીના નીચેના ભાગે હોય છે. કલાકો સુધી ગાડીઓ પાણીમાં પડી રહેવાના કારણે એન્જિન અને ઈલેક્ટ્રીકલ સર્કિટમાં પાણી ઘૂસી જતાં આ સિસ્ટમ્સ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે, જેના કારણે વાહનમાલિકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.