જિંદગીમાં સહુને વિશ્રામ કંઈ પ્રાપ્ત થતા નથી. દોડતા દોડતા થાકી જતાં ને પછી જ્યાં હોય ત્યાં પડતા લોકોનો સમુદાય મોટો છે. લોકો દોડવાનું શરૂ કરે ત્યારે એ વિચારતા નથી કે એ દોડનું પરિણામ સુખ આવશે કે
દુઃખ ? પૈસાની જરૂરિયાત માટે દોડનારાઓ અને સુખી હોવા છતાં પૈસાની ભૂખ માટે દોડનારાઓ વચ્ચે તફાવત છે. અનેક લોકો એવા છે કે એની જિંદગીની દોડ અટકતી જ નથી. તેમની જીવનલીલા દોડતા દોડતા જ સંકેલાઈ જાય છે. કારણ કે એમને કોઈએ અટકવાનું કહ્યું જ નથી અને સ્વયંને તો ભાન જ નથી કે જિંદગીમાં લેવા જેવા આપાર સુખના વૈભવ માણ્યા વિના જ બાકી રહી જશે તો ? એવો વિચાર એમને આવતો જ નથી.
વિશ્રામ તો કદાચ મહામૂલી કમાણી છે. જેમને એકવાર ભક્તિનો રંગ લાગે એમને પછી સંસારના કોઈ થાક લાગતા નથી અને હરિનામ જ એમને માટે પરમ વિશ્રામ બની જાય છે. તુલસીદાસે રામચરિતમાનસની રચના પરિપૂર્ણ કર્યા પછી કહ્યું કે પાયો પરમ વિશ્રામ…. એનો અર્થ એ છે કે તેમણે એમાં વિશ્રામ અને પરમ વિશ્રામમાં ભેદ કર્યો છે. વિશ્રામ એટલે જેમાં આપણું શરીર થાક અનુભવતું હોય અને પછી આરામ કરવાથી એ થાક ઉતરતો હોય. તુલસીદાસ જે પરમ વિશ્રામની વાત કરે છે તે કદાચ ભવોભવના ફેરા અટકાવનારો વિશ્રામ છે. જાણે કે અમને લખચોરાસીમાંથી મુક્તિ મળી ગઈ છે. એટલે રામ ચરિત્રમાંથી પસાર થયા પછીનો એમનો અનુભવ એમણે કહ્યો છે. આત્મકથનાત્મક વાત ભાગ્યે જ કહેવાની ટેવ ધરાવતા તુલસીદાસે પોતાના વિશ્રામની વાત રમતા રમતા કહી દીધી છે.
સામાન્ય લોકો માટે આજે પણ રામકથાનું પાન વિશ્રામનો અનુભવ આપે છે પરંતુ એ પ્રાસંગિક હોય છે. પરમ જેવો ચિરંતન આનંદ એમાં નથી હોતો. સાધક કે સંત કોટિના કથાકારો માટે પરમ વિશ્રામ હોઈ શકે છે. એકવાર મોરારિબાપુએ કહ્યું કે આ વ્યાસપીઠ મારું એકાંત છે. લાખોની મેદની વચ્ચે તેમને એકાંતનો જે અનુભવ છે તે તેમના પરમ વિશ્રામના દ્યોતક વચન છે. યુગ બદલાઇ ગયો છે અને વિશ્રામના અનુભવ માટે જનસામાન્યને અનેક સાધન-સંપત્તિની જરૂર પડે છે. જે વ્યક્તિ જિંદગીમાં રોટી, કપડા ઔર મકાનના સંઘર્ષમાંથી પૂર્ણતઃ બહાર ન આવે એને માટે વિશ્રામનો અનુભવ સુલભ નથી. જવાબદારીઓની ઉપેક્ષા કરવાથી કદાચ આરામનો અનુભવ લોકો લેતા હોય, પરન્તુ એ બહુ ક્ષણિક હોય છે. ક્યારેક આવી પડેલા અને કાયમી હોય તો તેવા દુઃખની
વિસ્મૃતિ પણ વિશ્રામનો અનુભવ આપે છે.
આવી વિસ્મૃતિ બેહોશીની લગોલગની હોય છે. એ તો નશામાં માણસ બધું ભૂલી જાય એમ જે કહેવાય છે એવું જ થયું. એટલે કે છેવટે તો દુઃખ જ અભિવૃધ્ધ થયું. કળણમાંથી બહાર નીકળવાનો પ્રયાસ જેમ હરણ કે અન્ય પ્રાણીને વધુ ફસાવે છે એમ જ ! પહેલી વાત તો એ છે કે વિશ્રામ જ એક જુદી પરિભાષા છે. ઉચ્ચાર જ જુઓને, વિશ્રામમાં જ રામ સમાયેલો છે. એ તુલસીને મળ્યો છે. વિશ્રામ સ્વ-અધ્યાયથી જ મળે. સ્વકર્મ અને સત્-કર્મની ફલશ્રુતિરૂપ જે નિંરાત છે તે પરમ વિશ્રામ છે. જેમણે સપનેય બીજાઓના વિશ્રામને હાનિ કરી નથી એનો જ આવા આનંદ પર અધિકાર છે. લોકો નિવૃત્ત થાય પછી ઘરમાં સમાતા નથી. એનું કારણ એ છે કે ઘરના સભ્યો પાસેથી તેઓ જે આદિકાળથી સેવાઓ લેતા આવ્યા છે એ સેવા કરનારાઓને તેમણે નિવૃત્તિ આપી નથી.
બીજાઓને પોતાના કામ કે સ્વાર્થ માટે જે પ્રવૃત્ત રાખે એ ખુદ તો કદી નિવૃત્ત ન કહેવાય. તુલસીદાસ જેવો લાંબો રસ્તો તો આપણે ન લઈ શકીએ, એ તો વિરલ છે. પરંતુ આપણા તરફથી જીવનભર સહુને વિશ્રામ આપતા રહીએ તો એમ કરતાં કરતાં કદાચ પરમ વિશ્રામ સુધી પહોંચાય. મકાનનો હપ્તો ભરવાનો બાકી હોય કે બાળકોની ફી ભરવાની છેલ્લી તારીખ સમયના પ્રવાહમાં વહી ગઈ હોય તો વિશ્રામ ન મળે એ ભૌતિક જગતનો આપણો અનુભવ છે. ક્યારેક ખુદનો સ્વભાવ પણ વિશ્રામભંગ કરે ને ફરી આનંદનું સાતત્ય હણાઈ જાય. આયોજન બહુ મહાન શબ્દ છે.










































