રાજ્યમાં વરસાદને લઈને એક અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા મુસળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન થઈ ગયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેના (આર્મી) અને એનડીઆરએફની ટીમોને મેદાને ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરમાં પાણીના નિકાલ અને ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે આર્મીની મદદ લેવાઈ રહી છે. અમદાવાદમાં કુલ ૬ આર્મીની ટીમો ઉતારવામાં આવી છે, જેમાંથી ૩ કોલમ અમદાવાદ શહેર માટે અને ૩ કોલમ અમદાવાદ જિલ્લાના વિસ્તારો માટે કામ કરશે. ઓરિસ્સાથી લાવવામાં આવેલી ૨ એનડીઆરએફની ટીમોને પણ અમદાવાદમાં ડિપ્લોય કરવામાં આવી છે. ૨ બોટ અને લાઈફ જેકેટ સાથે પચાસથી વધુ આર્મીના જવાનો લોકોને રેસક્યું કરવા માટે નીકળી ચૂક્યાં છે.
એસ.જી. હાઈવે સ્થિત કર્ણાવતી ક્લબની પાછળના ભાગમાં આવેલી અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. આખો વિસ્તાર જળમગ્ન થઈ જતાં સ્થાનિકો ઘરોમાં ફસાયા છે. લોકોને બહાર કાઢવા માટે ૫ જેટલી ટ્રક ભરીને આર્મીના જવાનોને ઉતારવામાં આવ્યા છે. સેનાના જવાનો બોટ મારફતે લોકોને સુરક્ષિત બહાર લાવવાના ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે.વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે શહેરના મોટાભાગના વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે. જેમાં એસ.જી. હાઇવે, ગોતા, જગતપુર, એસ.પી. રિંગ રોડ, ન્યૂ રાણીપ, ચાંદખેડા અને ત્રાગડનો સમાવેશ થાય છે. ત્રાગડ રોડ,આઇઓસી રોડ, ડી-કેબીન રોડ અને ચેનપુર રોડ પર ભારે પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.ભારે વરસાદને કારણે શહેરના અનેક અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે અમુક ચાલુ છે. તેમાં ઇન્કમટેક્સ અંડરપાસ,ઉસ્માનપુરા અંડરપાસ,નિર્ણયનગર અંડરપાસ,પ્રગતિનગર ડરપાસ,મીઠાખળી અંડરપાસ હાલમાં માત્ર સિંગલ લેનથી ચાલુ રાખવામાં આવ્યો છે.વધારે વરસાદ કે અંડરપાસ બંધ હોવાની સ્થિતિમાં વાહનચાલકોને નવરંગપુરા રેલવે ક્રોસિંગ, નારણપુરા રેલવે ક્રોસિંગ અથવા વિજય રેલવે ક્રોસિંગનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી છે.









































