દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના રૌદ્ર સ્વરૂપ અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિભારે વરસાદની ચેતવણીને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત અને નવસારી જિલ્લા પ્રશાસને સત્તાવાર પરિપત્ર બહાર પાડીને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. વલસાડમાં ભારે વરસાદના કારણે પૂરનો ખતરો ઉભો થયો છે. વલસાડમાં ૩૫ ઈંચ વરસાદમાં પાણી પાણી થઈ ગયું છે. આ સાથે નવસારી અને સુરતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.સુરત જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ અનુસાર સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારની તમામ સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. નવસારી જિલ્લામાં Âસ્થતિને ધ્યાનમાં રાખીને પ્રાથમિક-માધ્યમિક શાળાઓ ઉપરાંત તમામ આંગણવાડીઓ, કોલેજા અને આઇટીઆઇ જેવી ટેકનિકલ સંસ્થાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. શાળા સંચાલકોને આંતરિક પરીક્ષાઓ કે અન્ય કોઈ બહાને વિદ્યાર્થીઓને શાળાએ ન બોલાવવા તાકીદ કરાઈ છે. નિયમભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે.
મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ, ખાડી પૂરનું જાખમ તેમજ પૂર્ણા અને અંબિકા નદીઓના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. સ્થિતિ ગંભીર હોવાથી ટ્રાફિક અને પોલીસ પ્રશાસનને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા વાલીઓને સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા વિનંતી કરવામાં આવી છે.








































