વડિયા તાલુકાના તોરી ગામની ગ્રામપંચાયત કચેરીમાં તાલુકા પંચાયત પ્રમુખના ૫તિ યોગેશભાઈ પાનસુરીયા અને કાર્યકારી સરપંચ પરેશભાઈ કોટડીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. બંને વચ્ચે ખુરશીઓ ઉડી હતી અને બટકા ભર્યાની ઘટના સામે આવતા ગ્રામપંચાયત કચેરીમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા. બંને નેતાઓ ઈજાગ્રસ્ત થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વડિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પરેશભાઈ કોટડીયાને વધુ ઈજા હોવાથી તેમને વધુ સારવાર માટે જેતપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવ પાછળના કારણ અંગે મળતી માહિતી મુજબ, તોરી ગામના પૂર્વ સરપંચ સોનલબેન પાનસુરીયા તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા સરપંચ પદનો ચાર્જ પરેશભાઈ કોટડીયાને સોંપવામાં આવ્યો હતો. ચાર્જ સંભાળ્યા બાદ પરેશભાઈ કોટડીયા દ્વારા પૂર્વ સરપંચના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યોના બિલો, કામગીરી તેમજ અન્ય વહીવટી બાબતો અંગે માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઉપરાંત, પૂર્વ સરપંચના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચારના મામલે જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિકાસ કમિશનર દ્વારા અંદાજે રૂ. ૧૩થી ૧૪ લાખની વસૂલાત અંગે અગાઉ હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમ અને અન્ય બાબતોને લઈને પરેશભાઈ કોટડીયા દ્વારા વારંવાર માહિતીના અધિકાર હેઠળ અરજીઓ કરી માહિતી માંગવામાં આવતી હતી. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલતા હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. જા,કે અન્ય પણ કારણોસર હુમલો થયો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. ઘટનાની જાણ થતાં વડિયા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.










































