(૧) – રાજસ્થાની પરાઠા
– સામગ્રીઃ (૧) આખા મગ અર્ધો કપ (૨) લીલા કાંદા પાન સહિત (ધોઈને સમારેલાં) અર્ધો કપ (૩) લીલા મરચાં ૨ (૪) હિંગ પા ચમચી (૫) હળદર પાવડર પા ચમચી (૬)
ગરમ મસાલો પા ચમચી (૭) લાલ મરચું પાવડર ૧ ચમચી (૮) જીરું અડધી ચમચી (૯) આદુ-લસણ પેસ્ટ ૧ ચમચી (૧૦) ઘઉંનો લોટ ૧ કપ (૧૧) તેલ પરાઠા શેકવા માટે
– રીતઃ (૧) મગને મિક્સીમાં કરકરા પીસી લો. (૨) મગના આ પાવડરને ૨-૩ પાણીથી ધોઈ લો, જેથી તેમાંના ફોતરા પાણી સાથે નીકળી જાય. (૩) હવે દળેલા મગનો પાઉડર ડૂબે તેટલું પાણી તેમાં રાખો. પલાળેલા મગનો પાવડર અડધો કલાક રહેવા દો. ત્યારબાદ જોશો તો પલાળેલા મગનો લોટ ફૂલી ગયો હશે. (૪) પલાળેલા મગના લોટમાં સમારેલા લીલા કાંદા, લીલા મરચાં, હિંગ, ગરમ મસાલો, હળદર, મરચું પાવડર, જીરુ અને આદુ-લસણની પેસ્ટ ભેળવીને સારી રીતે મિક્સ કરી લો. (૫) પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરી પાણી ઉમેર્યા વગર કણક બાંધી લો અને ૧૫ મિનિટ ઢાંકીને રહેવા દો. ૧૫ મિનિટ બાદ તેમાં અર્ધી ચમચી તેલ ચોપડીને થોડો ફેણી લો. (૬) આ લોટમાંથી લૂવો લઈ પરોઠા વણી લો. ગેસની મધ્યમ આંચ પર તવો ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે અર્ધી ચમચી તેલ રેડી તેના પર પરોઠું શેકવા મૂકો. એકાદ મિનિટ શેકાયા બાદ પરોઠું ઉથલાવો અને ફરીથી અડધી ચમચી તેલ ફરતે રેડો. તેલનું પ્રમાણ ઓછું લઈ શકાય. (૭) ગરમાગરમ પરોઠા દહીં, ટોમેટો કેચ-અપ કે ખજૂર-આમલીની ગળી ચટણી સાથે સ્વાદિષ્ટ લાગશે.
(૨) – વેજીટેબલ પરોઠા
– સામગ્રીઃ (૧) ઘઉંનો લોટ ૨ કપ (૨) મિક્સ શાકભાજી (બટાકો-૧, ગાજર-૧, સમારેલું ફ્‌લાવર અર્ધો કપ, ફણસી ૮-૧૦ નંગ, લીલા વટાણા પાકપ, પાલક કે મેથીની ભાજી દોઢ કપ) (૩) કોથમીર અર્ધો કપ (૪) આદુ-મરચાં પેસ્ટ ૨-૩ ચમચી (૫) લાલ મરચું પાવડર ૧ નાની ચમચી (૬) ધાણાજીરૂ પાવડર ૧ ચમચી (૭) ગરમ મસાલો ૧ નાની ચમચી (૮) હિંગ પા ચમચી (૯) પરાઠા શેકવા ઘી કે તેલ.
– રીતઃ (૧) ગાજર, ફ્‌લાવર, ફણસી બધાં મિક્સ શાકભાજીને નાના ટુકડામાં સમારી લો. (૨) આ શાક અને લીલા વટાણાને એક તપેલીમાં પાણી ઉકળવા મૂકી, તેના ઉપર ચાળણીમાં આ શાક મૂકી ઢાંકીને વરાળમાં બાફી લો. સ્ટીમર હોય તો તેમાં બાફી લો. (૩) પાલકને સારી રીતે ધોઈ, પાનમાંથી પાણી નિતારી લઈ ઝીણી સમારી લો. કોથમીર પણ ધોઈને સમારી લો. (૪) શાક બરાબર બફાઈ જાય એટલે તેને ગરમાગરમ જ બાઉલમાં લઈ અધકચરા મેશ કરી લો. (૫) ત્યારબાદ તેમાં સમારેલી પાલક તેમજ કોથમીર ઉમેરો. પછી તેમાં બધાં સૂકા મસાલા, આદુ-મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, હિંગ અને લોટ ભેળવો. (૬) પાણી ઉમેર્યા વગર લોટ બાંધી દો. (૭) લોટ બંધાઈ જાય એટલે તેમાંથી લૂવો લઈ હળવે હળવે ગોળ પરોઠા વણીને તરત જ ગેસની મધ્યમ આંચે પરોઠા શેકી લો.(૮) ગરમાગરમ પરોઠા દહીં અને લીલી ચટણી કે ટોમેટો કેચ-અપ સાથે પીરસો.
(૩) પાલક-ગાર્લિક-ચીઝ પરોઠા
– સામગ્રીઃ (૧) ઘઉંનો લોટ ૨ કપ (૨) પાલકના પાન ધોયેલા ૨ કપ (૩) અજમો ૧ નાની ચમચી (૪) લીલા મરચાં ૨ નંગ (૫) આદુનો નાનો ટુકડો (૬) પૂરણ માટેઃ લીલા મરચાં ૨-૩, સિમલા મરચું ઝીણું સમારેલું અર્ધો કપ, લીલું લસણ ધોઈને ઝીણું સમારેલું અર્ધો કપ, કોથમીર ધોઈને ઝીણી સમારેલી અર્ધો કપ, પિઝા સિઝનિંગ ૨ ચમચી, ચિલી ફ્‌લેક્સ ૧ નાની ચમચી, કાળાં મરી પાવડર પા ચમચી, ચાટ મસાલો પા ચમચી, પિઝા ચીઝ કે મોઝરેલા ચીઝ ૧ કપ (૭) ઘી પરોઠા શેકવા માટે (૮) પનીર ખમણેલું અર્ધો કપ
– રીતઃ (૧) એક બાઉલમાં ૩-૪ કપ પાણી ઉકળવા મૂકો. (૨) પાલકના પાનને ૨-૩ પાણીથી ધોઈ આ ઉકળતાં પાણીમાં ૨-૩ મિનિટ માટે ઉકાળી તરત પાણીમાંથી કાઢી બીજા બાઉલમાં મૂકી દેવા. (૩) ફ્રીજનું ઠંડું પાણી આ પાન પર રેડી તેને ઠંડા કરી લઈ, પાણી નિતારીને મિક્સીમાં નાખી સાથે ૨ લીલાં મરચાં તથા આદુનો ટુકડો સમારીને, ઉમેરીને પીસી લેવા. (૪) એક મોટા બાઉલમાં પાલકની પ્યુરી ઉમેરો. તેમાં ઘઉંનો લોટ, અજમો અને સ્વાદ મુજબ અંદાજે પા ચમચી મીઠું ઉમેરો. (૫) લોટને પાણી નાખ્યા વિના બાંધો. જો જરૂર લાગે તો મિક્સીમાં થોડું પાણી લઈ લોટ માટે જરૂરી તેટલું ઉમેરી લોટ બાંધી દો. લોટને ઢાંકીને ૧૦ મિનિટ માટે રાખી મૂકો. (૬) એક વાસણમાં લીલાં મરચાં ઝીણાં સમારી લો. તેમાં ઝીણાં સમારેલાં સિમલાં મરચું, લીલું લસણ, કોથમીર લો. તેમાં ચીઝ, કાળાં મરી પાવડર, પિઝા સિઝનિંગ, ચિલી ફ્‌લેક્સ, ચાટ મસાલો અને ખમણેલું પનીર ઉમેરો. મોઝરેલા ચીઝ ઉમેરી દો. જો તે ન હોય તો ચીઝ ક્યૂબને ખમણીને ઉમેરી દો. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. એક ચમચી વડે આ મિશ્રણ મિક્સ કરો. (૭) લોટમાંથી મોટો લૂવો લઈ ગોળ વણી લો. હવે તેમાં પૂરણમાંથી ૨-૩ ટે.સ્પૂન પૂરણ વચ્ચે મૂકીને પરોઠાની બે સામસામી બાજુએથી વાળીને ચોરસ આકાર આપીને કિનારીઓ સરખી દાબીને બંધ કરો.
આભાર – નિહારીકા રવિયા (૮) હવે સ્ટફિંગ ભરેલો લૂવો વેલણથી હળવે હળવે સીધી બાજુએથી થોડો થોડો વણી લો. જેથી તેનો ચોરસ આકાર જળવાઈ રહે. (૯) ગેસ પર નોનસ્ટિક કે લોખંડનો તવો મૂકો. તવો ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી વણેલું પરોઠું હળવેથી તવા પર મૂકી એકબાજુ ૧ મિનિટ શેકાય એટલે ઉથલાવી બીજી બાજુએ થોડું વધારે શેકી લો. ત્યારબાદ ઘી રેડી ફરી ઉથલાવીને શેકી લો. (૧૦) પરોઠું બંને બાજુએ ગોલ્ડન રંગનું શેકી લો. (૧૧) આ રીતે બધા પરોઠા તૈયાર કરી ટોમેટો કેચ-અપ સાથે ગરમાગરમ પીરસો.
(૪) ભાજીપાઉં પરોઠા
– સામગ્રીઃ (૧) સિમલા મરચું ૧ (૨) ફ્‌લાવર ૨૦૦ ગ્રામ (૩) વટાણા ૨૦૦ ગ્રામ (૪) બાફેલા બટાકા ૪-૫ નંગ (૫) હળદર પાઉડર નાની ચમચી (૬) મીઠું સ્વાદ મુજબ (૭) લીલા મરચાં ૨-૩ નંગ (૮) ડુંગળી ૧ નંગ (૯) માખણ ૧ ચમચી (૧૦) ભાજીપાઉંનો મસાલો ૨ ચમચી (૧૧) ચાટ મસાલો ૧ નાની ચમચી કે લીંબુનો રસ (૧૨) ઘઉંનો લોટ ૨ કપ (૧૩) ધોઈને બારીક સમારેલી કોથમીર ૧ કપ (૧૪) સોસ બનાવવા માટેઃ માખણ ૩ ચમચી, લીલું લસણ પાંદડી સહિત કે સૂકું લસણ ૨ ચમચી, ચિલી ફ્‌લેક્સ ૧ ચમચી
– રીતઃ (૧) એક બાઉલમાં એક ગ્લાસ પાણીમાં અર્ધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું મેળવી લો. (૨) ફ્‌લાવરને છૂટું કરી વટાણા સાથે આ પાણીમાં મેળવી ૧૦ મિનિટ માટે રહેવા દો. (૩) ત્યારબાદ પાણી નિતારીને તેને બાફી લો. પ્રેશર કૂકરમાં ૨ સીટીમાં બફાઈ જશે, પછી તેને મેશ કરી લો. (૪) એક ફ્રાઈ પેનમાં ૧ ચમચી માખણ ગરમ કરી તેમાં ડુંગળી અને સિમલા મરચું ઝીણાં સમારીને સાંતળી લો. પછી મેશ કરેલાં શાકભાજી તેમાં ઉમેરીને સાંતળી લો. જેથી તેમાંનું પાણી સૂકાઈ જાય. (૫) ત્યારબાદ બાફેલા બટાકાને ખમણીને કે બારીક છૂંદો કરીને કોથમીર સાથે તેમાં ઉમેરી દો. (૬) પછી પાઉંભાજી મસાલો ૧ ચમચી, ચાટ મસાલો કે લીંબુનો રસ તથા મીઠું સ્વાદ મુજબ ઉમેરો. કેમ કે, શાકભાજીમાં મીઠું મેળવ્યું હતું. આ મિશ્રણ સરખું સાંતળીને ગેસ બંધ કરી દો.
– બટર સોસ માટે એક પેનમાં બટર ગરમ કરી તેમાં બારીક સમારેલું લસણ ઉમેરી સાંતળી લો. પાંચેક મિનિટ બાદ તેમાં ચિલી ફ્‌લેક્સ મેળવી ૧ મિનિટ સાંતળીને ગેસ બંધ કરી ઉતારી લો અને નાના બાઉલમાં કાઢી લો. – પરોઠા માટે લોટ બાંધવા માટે તેમાં ૧ ચમચી પાઉંભાજી મસાલો અને મીઠું સ્વાદ મુજબ મેળવી લોટ બાંધી લો અને ૧ ચમચી તેલનું મોણ આપી દો.
પછી લોટનો લૂવો લઈ પૂરી સાઈઝનો વણી લો. એમાં પાઉંભાજીવાળું મિશ્રણ ૧ ચમચી જેટલું લઈ ઉમેરીને ગોળો વાળીને બંધી કરી તેનું પરોઠું વણી લો અને તૈયાર કરેલું બટર સોસ વાપરીને તવામાં આ પરોઠા શેકી લો. આ પરોઠા બુંદીના રાયતા, દહીં કે લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો. sanjogpurti@gmail.com