અષાઢી બીજના પાવન પર્વ પર ગુજરાતના અમદાવાદ અને ઓરિસ્સાના જગન્નાથપુરીની સૌથી મોટી સહિત દેશભરમાં ઠેર ઠેર ભગવાન જગન્નાથની રથયાત્રાઓ યોજાઈ છે. ત્યારે મોરબી શહેરમાં પણ ભરવાડ અને રબારી સમાજ દ્વારા આરાધ્ય મચ્છુ માતાજીની પરંપરાગત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૨ વર્ષથી યોજાતી આ રથયાત્રા મહેન્દ્રપરા સ્થિત માતાજીની જગ્યાથી પ્રસ્થાન પામી અને સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, નહેરૂ ગેટ ચોક તેમજ ગ્રીન ચોક થઈને દરબાર ગઢ ખાતે મચ્છુ નદીના કાંઠે બિરાજતા મચ્છુ માતાજી અને પુનિયા મામાના મંદિરે વાજતે-ગાજતે પહોંચી હતી
મોરબીમાં માતાજીની રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના પારંપરિક રાસ અને હુડો ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકો માટે આજે સમાજ તરફથી માતાજીને ૫૨ ગજની ધજા અર્પણ કરવામાં આવ્યા હતાં માઈભક્તો માટે ફરાળની વ્યવસ્થા સાથે ૪૦૦ કિલો શુદ્ધ ઘીનો શીરો, સૂકીભાજી અને ચેવડો પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ૨૦૦થી વધુ સ્વયંસેવકો નિઃસ્વાર્થ ભાવે સેવા આપી હતી
આજથી ૨૨ વર્ષ પહેલાં પ્રાગટ્ય દિવસની ઉજવણી માત્ર ૧૦થી ૧૫ લોકો જ માતાજીના વાઘા બદલીને અને ધજા ચડાવીને સાદાઈથી કરતા હતા. પરંતુ આજે ભક્તોની અપાર શ્રદ્ધાથી આ ઉજવણીએ એક ભવ્ય રથયાત્રાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. રથયાત્રામાં ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા ગોઠવવામાં આવી હતી
આ તરફ રાજકોટમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ છે. નાના મૌવા ગામ સ્થિત જગન્નાથજી મંદિરથી વહેલી સવારથી જ દર્શનાર્થીઓનો ભારે મેળાવડો જાવા મળ્યો હતો. રાજકોટમાં રથયાત્રાનું વિશેષ આકર્ષણ અઘોરી રાસ ગ્રુપ રહ્યું હતું. તેમની અનોખી રજૂઆત નિહાળવા માટે માર્ગ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોએ પણ રથયાત્રાની શોભામાં વધારો કર્યો હતો. જેથી ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા ભક્તો ભાવવિભોર બન્યા હતા અને સતત જયઘોષ ગુંજી ઉઠ્યો હતો.








































