દામનગરમાં સ્વચ્છતાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. સરદાર સર્કલની બિલકુલ સામે આવેલા નગરપાલિકા શોપિંગ સેન્ટરની જાહેર મુતરડી હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે. અહીં યોગ્ય સાફ-સફાઈના અભાવે માથું ફાડી નાખે તેવી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના વેપારીઓ અને ત્યાંથી પસાર થતા રાહદારીઓનું જીવવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જો નગરપાલિકા તંત્ર દ્વારા આ જાહેર શૌચાલયની નિયમિત અને વ્યવસ્થિત સફાઈ કરાવવામાં આવે, તો આજુબાજુનું વાતાવરણ પ્રદૂષિત થતું અટકે અને સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે. તંત્ર આ બાબતે તાકીદે નક્કર પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.