ઉનામાં ઉના-ભાવનગર રોડ પર ભૂંડની માલિકીના વિવાદને લઈને બે શીખ સમુદાયના જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનામાં લોખંડના પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરવામાં આવતા એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસ ફરિયાદ મુજબ, ઉનાના વેરાવળ રોડ વિસ્તારમાં રહેતા જસબીરસિંહ રાઠોડ પોતાના પરિવારજનો અને સાથીદારો સાથે હરભોળે હોટલ નજીક હાજર હતા. દરમિયાન ભૂંડ લઈ જવાના મુદ્દે ફોન પર થયેલી બોલાચાલી બાદ બંને પક્ષ સામસામે આવી ગયા હતા. વાત ઉગ્ર બનતા મારામારી અને હુમલાની ઘટના બની હતી. સમગ્ર મામલે ઉના પોલીસે છ નામજોગ અને ત્રણ અજાણ્યા સહિત કુલ ૧૦ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








































