૨૦૨૪ લોકસભાના પરિણામો બાદ હિન્દુસ્તાનના ઘણા રાજ્યોમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ગઈ. તેમની મોટા ભાગની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષે અકલ્પનીય વિજય મેળવ્યો છે. રાજનીતિક વિશેષજ્ઞ લોકો એવું કહી રહ્યા છે કે આ બધા રાજ્યોની ચૂંટણીના પરિણામો હિંદુ મતબેંકનો પશ્ચાતાપ છે. જે કસર ૨૦૨૪ની લોકસભામાં કસર રહી ગઈ હતી એ જનતા રાજ્યોની ચૂંટણીમાં પૂરી કરી રહી છે. હિંદુ પોલિટીકલ બેક્લેશ સમગ્ર હિન્દુસ્તાનમાં ફૂંકાઈ રહ્યો છે. હિંદુ આસ્થાને ઠોકરો મારીને પોતાની રાજનીતિ ચમકાવતા પક્ષોનો ધીમેધીમે સફાયો થઇ રહ્યો છે. સાડાચાર વર્ષ સનાતન ધર્મને ગાળો આપીને, હિંદુ દેવી દેવતાઓના અપમાન કર્યે રાખીને ચૂંટણીના બાકીના છ મહિના જનોઈ અને ધોતી પહેરીને ભગવો ઓઢીને મંદિરો શિવાલયોના આંટા મારતા દગાખોર, દોગલા રાજકારણીઓને જનતા હવે ઓળખવા લાગી છે. જેમને એક ચોક્કસ ધર્મમાંથી કોમવાદની બૂ અને એક ચોક્કસ ધર્મમાંથી નિરપેક્ષતાની ફોરમ આવ્યા કરે છે એવા ‘ચુનાવી હિંદુ’ નેતાઓ છેલ્લા થોડા સમયની સમગ્ર હિન્દુસ્તાનની ચૂંટણીઓના પરિણામોથી દુઃખી દુઃખી થઇ ગયા છે. કોંગ્રેસ, આમઆદમી પાર્ટી, સમાજવાદી પક્ષ જેવા લઘુમતિ તૃષ્ટિકરણમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા પક્ષો હવે ચૂંટણી ટાણે મંદિરોના શરણે જતા થઇ ગયા છે. ચોક્કસ મતદાર વર્ગનો વીટો વાપરીને સત્તા મેળવવી હવે શક્ય લગતી નથી.
ડીએમકે, તૃણમુલ કોંગ્રેસ, શિવસેના, આરજેડી જેવા ક્ષેત્રીય પક્ષો જે લઘુમતિ મત આધારિત રાજકારણ કરી રહ્યા હતા એમનો સફાયો થઇ રહ્યો છે. એનસીપી, તૃણમુલ અને શિવસેના જેવા પક્ષોના કોંગ્રેસમાં વિલીનીકરણની ચર્ચાએ જોર પકડ્યું છે. જે લઘુમતિ તૃષ્ટિકરણ મુદ્દા આધારિત આ બધા પક્ષોની રાજનીતિ ચાલી રહી હતી એ મુદ્દાઓને શેષ કરી નાખતા સમાછેડાના પરિબળો મજબૂત રીતે સંગઠિત થઈને મુકાબલે આવ્યા છે. એ બધા પરીબળોના પાયામાં હિન્દુત્વ પડેલું છે. ભારતીય જનતા પક્ષે વર્ષો સુધી પોતાની હિન્દુવાદી વિચારધારા પર કાયમ રહીને આ સફળતા હાંસલ કરી છે. જયારે શિવસેના જેવો ભાજપથી પણ હાર્ડ હિન્દુવાદી પક્ષ વિચારધારાથી ચલિત થઈને ખતમ થઇ જવાના આરે આવું ચુક્યો છે.
જો આ સમયે કોંગ્રેસની નેતાગીરીમાં થોડું પણ જોર કે કૌવત હોત તો આ સમયે બધા નાનાનાના ક્ષેત્રીય પક્ષો પોતાનું અસ્તિત્વ બચાવવા કોંગ્રેસના સાથે જરૂર આવી ગયા હોત, કારણ કે હવે બધાની વિચારધારા એક થઇ ચુકી છે અને તેના પર જ ચાલવું પડે તેવી ફરજીયાત સ્થિતિ આવી પડી છે. એ વિચારધારા અને સ્થિતિ છે અસ્તિત્વનો સવાલ !! કોંગ્રેસ એક એવો પક્ષ છે કે જેનું સમયાંતરે વિઘટન થતું રહ્યું છે અને ક્ષેત્રીય પક્ષો અસ્તિત્વમાં આવ્યા છે. નવાઈની વાત એ પણ છે કે પછી આ જ નાના પક્ષોએ કોંગ્રેસ સાથે મળીને રાજ્યોમાં સરકારો બનાવી છે. ૧૯૬૭મા તમિલનાડુમાં સી.રાજ્ગોપલાચારીએ કોંગ્રેસથી અલગ થયા હતા ત્યારથી આજદિન સુધી તમિલનાડુમાં કોંગ્રેસની સરકાર નથી આવી શકી. આ વર્ષે જોસેફ વિજયની નવી પાર્ટીને ટેકો આપીને સરકારમાં સુક્ષ્મતમ સઝેદારીનો આત્મસંતોષ કોંગ્રેસ લઇ શકશે. એક વાર સત્તા હાથમાંથી ગયા બાદ ૫૯ વર્ષે કોંગ્રેસની સત્તામાં આવી મામૂલી સ્તરે વાપસી થઇ શકી છે. કોંગ્રેસનું સતત વિઘટન થતું રહેવા પાછળના મુખ્ય બે કારણો છે. તેમાં સૌ પ્રથમ પરિવારવાદ અને બીજું કારણ હિન્દુદ્વેશની રાજનીતિ છે. પરિવારવાદે કોંગ્રેસમાંથી મહત્વકાંક્ષી પ્રતિભાઓને બહાર જવા માટે મજબૂર કર્યે રાખી. મહમદ અલી ઝીણાથી લઈને હેમંતા બિસ્વા શરમા સુધીની લાંબી યાદી છે જેઓ કોંગ્રેસમાંથી બહાર ગયેલી પ્રતિભાઓ છે. કોંગ્રેસની હાલની હિંદુ વિરોધી માનસિકતાએ કોંગ્રેસની એકવખત ક્યાય પણ ચૂંટણી હારી ગયા બાદ ફેરવાપસી મુશ્કેલ કે અસંભવ બનાવે રાખી છે. ભારતીય જનતા પક્ષના છેલ્લી ત્રણ લોકસભાની ચૂંટણીમાં ઉદયે હિન્દુત્વની રાજનીતિમાં હવે ભાજપા સિવાય કોઈ જગ્યા બચી રહી હોય એવું લાગી રહ્યું નથી. હવે એલાઈટ હિંદુથી લઈને મધ્યમ, ઉચ્ચ મધ્યમ, ગરીબ, પછાત, મરાઠી, બિહારી, ગુજરાતી સુધી દરેક હિંદુ હવે એક મતબેંકના સ્વરૂપે સપાટીની નીચે એકત્ર થઇ રહ્યો છે. પશ્ચિમ બંગાળના પરિણામોની અસર બે દાયકા સુધી ભારતીય રાજનીતિમાં રહેવાની છે. એક સમયે દેશનો સૌથી ઉચ્ચ બૌદ્ધિક વર્ગ જ્યાં હતો એ રાજ્યમાં ભગવો લહેરાઈ જવો માત્ર પરિણામોના આંકડામાં શમાવી શકાય નહિ. આ એક સંદેશ છે, જે ભારતીય રાજનીતિમાં લાંબો સમયના ફલક પર અસર કરશે.
હવે સ્થિતિ એ આવી છે કે જે સ્થાનિક પક્ષોને લઈને કોંગ્રેસ રાજ્યસ્તરે અસ્તિત્વ બનાવી રાખતો હતો એ સ્થાનિક પક્ષોના અસ્તિત્વ ધીમે ધીમે સમાપ્ત થઇ રહ્યા છે. કોંગ્રેસની રાજ્યોની ટેકણ લાકડી તૂટી રહી છે. રાજનીતિજ્ઞ મકીઆવીલીએ રાજાઓને સલાહ આપી હતી કે ક્યારેય પ્રજાના સન્માન, પ્રજાની ઈજ્જત, પ્રજાના ધર્મ, પ્રજાના ઈમાનને સ્પર્શ કરવો નહિ. એ વાત આજે પણ તેટલી જ
સાચી છે. કોંગ્રેસે બોધપાઠ લેવો જોઈએ શ્રીમતિ ઇન્દિરા ગાંધી પાસેથી કે એણે સત્તા તપતી હતી ત્યારે ક્યારેય પણ કોઈ ધર્મની આસ્થાને ઠોકર લાગે એવું નિવેદન કે વલણ અપનાવ્યું નથી. પણ હાલની કોંગ્રેસ અને અન્ય સ્થાનિક પક્ષો આટઆટલી ખરાબ સ્થિતિમાં પણ બોધપાઠ લઇ નથી રહ્યા. જ્યાં ભાજપની એન્ટ્રી નથી થઇ શકી એવા તમિલનાડુમાં પણ સનાતનનો સમૂળ નાશ કરવાના બકવાસ કર્યે રાખતા પક્ષને જનતાએ ઘરભેગો કરી દીધો છે એ સાબિત થઇ ચુક્યું છે કે હવે સનાતનને ગાળ આપીને રાજનીતિક સફળતા કે ઈમારત ઉભા કરી શકાય તેમ નથી. સચ્ચર કમિટી, શાહબાનો કેસ, વકફ બોર્ડ કાયદો હવે ભૂતકાળ છે. આટલું દ્રઢ તૃષ્ટિકરણ કરવું હવે સંભવ નથી. આજે વડાપ્રધાન વિદેશમાં જાય છે તો ત્યાના નેતાઓ માટે તાજમહેલની જગ્યાએ રામમંદિરની પ્રતિકૃતિ અને ભગવદગીતા ભેંટમાં લઇ જાય છે.
ક્વિક નોટ – “ હિંદુઓ અને મુસ્લિમોએ શાંતિથી સાથે રહેવું જોઈએ… જેવી રીતે રામના સમયમાં રહેતા હતા. “ – રાજીવ ગાંધી, (દિલ્હીના પંજાબી બાગના રામલીલા ઉત્સવમાં બોલતા… ).
production@infiniumpharmachem.com









































