અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા રામ મંદિરના દાન વ્યવસ્થાપન મામલે સામે આવેલી કથિત ગેરરીતિને ગંભીર ગણાવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. અહેવાલો મુજબ આ સમગ્ર મામલે એસઆઈટી દ્વારા તપાસ ચાલી રહી છે અને દાન વ્યવસ્થામાં કેટલીક પ્રક્રિયાગત ખામીઓ સામે આવ્યાના દાવા વચ્ચે તપાસ વધુ ગહન બનાવવામાં આવી છે. જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ તેમજ કાર્યકરો અને સભ્યોએ માંગ કરી હતી કે સમગ્ર કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવે અને જો કોઈ દોષિત સાબિત થાય તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું કે રામ મંદિર કરોડો હિંદુઓની આસ્થા અને સંસ્કૃતિનું કેન્દ્ર હોવાથી આ મામલે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવી યોગ્ય નથી. પારદર્શક અને નિષ્પક્ષ તપાસથી જ શ્રધ્ધાળુઓનો વિશ્વાસ જળવાઈ રહેશે. વિજયભાઈ દેસાઈએ સરકારને ઝડપી કાર્યવાહી કરવા અપીલ કરી હતી.








































