ખાંભામાં યુવકને ‘જો હવે ગલ્લે આવીશ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપવામાં આવી હતી. આ અંગે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ હતી. લલિતભાઈ ડાયાભાઈ સોલંકી (ઉ.વ. ૨૫) એ મહેશભાઈ આલિંગભાઈ ખુમાણ, જનકભાઈ સવાભાઈ દેવેરા અને શશીભાઈ સવાભાઈ દેવેરા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની ભત્રીજીની તા. ૨૦/૦૬/૨૬ના રોજ પ્રવિણભાઈ મકવાણાએ છેડતી કરી હતી. જે બાબતે બોલાચાલી થઈ હતી, પરંતુ બાદમાં ઘરમેળે સમાધાન થઈ ગયું હતું.દરમિયાન, રાત્રિના સમયે તેઓ શિયાળભાઈના ગલ્લેથી માવા લઈને ઘરે જતા હતા, ત્યારે આરોપીઓએ રોડ ઉપર ગાળો આપી, તેમનો કાઠલો પકડી પાન-માવાની દુકાને લઈ ગયા હતા. ત્યાં તેમને શરીરે ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો તેમજ ફરી ગલ્લે આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ સામા પક્ષે જનકભાઈ સવજીભાઈ દેવેરા (ઉ.વ. ૩૦) એ લલિતભાઈ ડાયાભાઈ સોલંકી, હરેશભાઈ હિંમતભાઈ સોલંકી, મહેશભાઈ મનુભાઈ પરમાર તથા બાવભાઈ હિંમતભાઈ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ઉધાર કરિયાણાના બાકી પૈસા માંગતા આરોપીઓને સારું લાગ્યું ન હતું. આ બાબતની દાઝ રાખી આરોપીઓએ તેમની દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી આડેધડ માર માર્યો હતો. તેમજ ઝપાઝપી કરી છરી ઉગામી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. એમ. ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.









































