અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇન્વેસ્ટમેન્ટ સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપી મહેન્દ્રજી મફાજી ઠાકોર (રહે. વરાણા, જી. પાટણ) ને પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ઝડપી લીધો છે. આ શખ્સે ફરિયાદીને શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી રૂ. ૬૯,૪૪૧ પડાવી લીધા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના બેંક એકાઉન્ટમાં માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં રૂ. ૨,૭૪,૪૦,૧૯૭ ના શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયા છે અને તેના પર ગુજરાત સહિત અન્ય રાજ્યોની કુલ ૦૮ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. આ સફળ કામગીરી ભાવનગર રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી અને અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી છે.