બાબરા નગરપાલિકામાં રૂ. એક કરોડના વિકાસ કામોના ટેન્ડર મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા અને મનસ્વી રીતે કામોની ફાળવણી થતી હોવાના આક્ષેપો સાથે આ આખો મામલો લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સમક્ષ પહોંચ્યો છે. નગરપાલિકાના વર્તમાન તેમજ પૂર્વ સભ્યો અને કેટલાક ચોક્કસ કર્મચારીઓ જ પડદા પાછળ રહીને આ કામો રાખતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્‌યું છે.આ વિવાદ વધુ વકરતા ધારાસભ્ય દ્વારા તાકીદે લાઠી ખાતે ભાજપના તમામ સભ્યોની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શિસ્ત જાળવવાની શિખામણ વચ્ચે સભ્યોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. સિનિયર અને પ્રથમ વખત ચૂંટાયેલા સભ્યોએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, અગાઉના કામોના બિલો હજુ ચૂકવાયા નથી. સભ્યોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો પ્રમુખ સિવાય અન્ય કોઈ વ્યક્તિ વહીવટમાં દખલગીરી કરશે તો આગામી સમયમાં સામાન્ય સભા ચાલવા દેવામાં નહીં આવે.સ્થાનિક સભ્યોમાં એવી પણ વ્યાપક લાગણી છે કે ધારાસભ્ય પોતાના નજીકના લોકોને જ પ્રાધાન્ય આપી રહ્યા છે, જેના કારણે વહીવટમાં પારદર્શિતા જોખમાઈ છે. બાબરા નગરપાલિકામાં ભાજપના ૨૨ સભ્યો બહુમતીમાં હોવા છતાં આંતરિક સંકલન અને એકતાના અભાવે વિકાસ કાર્યો રૂંધાઈ રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે.