અમરેલી જિલ્લામાં કાયદો, વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નવા હુકમ અનુસાર, સમગ્ર જિલ્લામાં કોઈપણ જૂની મોટરસાયકલ, સ્કૂટર, થ્રી-વ્હીલર કે ફોર-વ્હીલર વાહનોનું ખરીદ-વેચાણ કરનારા વેપારીઓ, માલિકો અને એજન્ટોએ નિયત નમૂનામાં એક રજિસ્ટર નિભાવવું ફરજિયાત રહેશે. આ રજિસ્ટરમાં ખરીદનાર અને વેચનાર બંનેના નામ, સરનામાં, મોબાઈલ નંબર, આઈડી પ્રૂફ, વાહન ખરીદવાનું કારણ તેમજ એન્જિન, ચેસીસ અને રજિસ્ટ્રેશન નંબર જેવી વિગતો રાખવી પડશે. આ ઉપરાંત, વાહન વેચતી વખતે ગ્રાહકને અચૂક બિલ આપવાનું રહેશે અને તેની એક નકલ પોતાની પાસે રાખવી પડશે. આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.






































