ચોમાસાની આગામી ઋતુને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આગોતરા પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. વર્ષાઋતુ દરમિયાન ભરાતા પાણી અને ભેજવાળા વાતાવરણને લીધે મચ્છરોની ઉત્પત્તિ ઝડપથી થાય છે. આ પરિસ્થિતિને અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂન માસને “મેલેરિયા વિરોધી માસ” તેમજ જુલાઈ માસને “ડેન્ગ્યુ વિરોધી માસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરો મોટેભાગે ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ઈંડા મૂકે છે. આથી અગાસી કે ફળિયામાં પડેલા જૂના ટાયરો, તૂટેલા વાસણો અને પક્ષીઓના કુંડા જેવા પાત્રોમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી જરૂરી છે. આરોગ્ય શાખાએ લોકોને દર અઠવાડિયે આવા પાત્રો સાફ કરવા, સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને શરીર પૂરેપૂરું ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા અનુરોધ કર્યો છે. વાહકજન્ય રોગોના નાશ માટે ફિલ્ડ પર આવતા આરોગ્ય કર્મચારીઓને પૂરતો સહકાર આપવા જિલ્લા મેલેરિયા અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.