વૈભવ સૂર્યવંશી સર્વકાલિન મહાન ક્રિકેટર બનશે ?
ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL ૨૦૨૬ સમાપ્ત થઈ ગઈ. આ સીઝનમાં સૌથી વધારે ચર્ચા વૈભવ સૂર્યવંશીએ જગાવી. માત્ર ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સ વતી કરેલી સ્ફોટક બેટિંગે સૌને દંગ કરી દીધા છે. ડાબોડી બેટ્‌સમેન વૈભવે ઝંઝાવાતી બેટિંગ કરીને આ સીઝનમાં ૭૭૪ રન ફટકારી દીધા એ તો નોંધપાત્ર બાબત છે જ પણ વધારે નોંધપાત્ર બાબત વૈભવ સૂર્યવંશીની બેટિંગ સ્ટાઈલ છે. વૈભવ ભલભલા બોલરોને ઉભા ઉભાં જ જે રીતે સિક્સરો અને બાઉન્ડ્રી ફટકારે છે એ જોઈને ઘણાં તેની સરખામણી વિરેન્દ્ર સેહવાગ સાથે પણ કરી રહ્યા છે.
વૈભવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવશે પછી વન ડે ઈન્ટરનેશનલ અને ટી ૨૦ ક્રિકેટના મોટા ભાગના વર્લ્ડ રેકોડ્‌ર્સ પોતાના નામે કરી નાંખશે એવી આગાહીઓ પણ અત્યારથી થઈ રહી છે. વૈભવે આ પહેલાં અંડર-૧૪ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ જોરદાર ચમકારા બતાવ્યા છે તેના કારણે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા મહાન ક્રિકેટરોને પણ પાછળ છોડી દેશે એવી આગાહી પણ કેટલાક અતિ ઉત્સાહી વિવેચકો તો કરવા માંડ્‌યા છે.
ઘણાંને આ આગાહીઓ અતિશયોક્તિભરી લાગી રહી છે પણ વૈભવ સૂર્યવંશીનો અત્યાર સુધીનો દેખાવ જોતાં તેનામાં ટેલેન્ટ છે એ સાબિત થયું છે. આ ટેલેન્ટે યોગ્ય રીતે ઢાળવામાં આવે તો વૈભવ સૂર્યવંશી ભારતનો જ નહીં પણ વિશ્વનો પણ મહાનતમ બેટ્‌સમેન બની શકે છે તેમાં કોઈ શંકા નથી. વૈભવ માત્ર ૧૨ વર્ષની ઉંમરે બિહારની અંડર-૧૯ ટીમ માટે વિનુ માંકડ ટ્રોફી રમ્યો હતો. વૈભવે જાન્યુઆરી ૨૦૨૪ માં ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું ત્યારે સૌથી નાની ઉંમરનો લિસ્ટ છ ક્રિકેટ રમનારો ખેલાડી બન્યો હતો. વૈભવ એ પહેલાં માત્ર ૧૩ વર્ષની ઉંમરે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો.
વૈભવે આ તમામ ફોર્મેટમાં પોતાની નોંધ લેવી પડે એવો જબરદસ્ત દેખાવ કર્યો છે. વૈભવ સપ્ટેમ્બર ૨૦૨૪ માં ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ સામે પહેલી ટેસ્ટ રમતાં ૧૦૪ રન ફટકારેલા. વૈભવે પોતાની પહેલી જ અંડર-૧૯ ટેસ્ટમાં ૫૮ બોલમાં સદી ફટકારીને ભારતીય રેકોર્ડ પોતાના નામે કરેલો. વૈભવની સદી અંડર-૧૯ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી છે. વૈભવે ૨૦૨૪ના અંડર-૧૯ એશિયા કપમાં યુએઈ સામે ૪૬ બોલમાં ૭૬ રન અને શ્રીલંકા સામે સેમિફાઇનલમાં ૩૬ બોલમાં ૬૭ રન બનાવીને ભારતને જીતાડેલું.
વૈભવે નવેમ્બર ૨૦૨૫ માં એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ્‌૨૦ મેચમાં ભારત છ વતી રમતાં યુએઈ સામે માત્ર ૪૨ બોલમાં ૧૪૪ રન ઝીંકી દીધેલા. વૈભવે માત્ર ૩૨ બોલમાં સદી ફટકારી હતી. ૨૦૨૬ના ૈંઝ્રઝ્ર અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં વૈભવે ઇંગ્લેન્ડ સામે ૮૦ બોલમાં ૧૭૫ રનની સ્ફોટક ઈનિંગ રમીને સૌને હતપ્રભ કરી નાંખેલા. વૈભવે ૧૫ ચોગ્ગા અને ૧૫ છગ્ગા ફટકારીને ૧૫૦ રન તો ઉભાં ઉભાં જ કરેલા. આ ઈનિંગના કારણે ભારત વર્લ્ડ ચેમ્પિયન બનેલુંં. વૈભવનો આ દેખાવ જોતાં તે સર્વકાલિન મહાન ક્રિકેટર બનવાની ક્ષમતા ધરાવે છે તેમાં મીનમેખ નથી.

વૈભવ ૮ વર્ષની ઉંમરથી કોચિંગ લે છે.
વૈભવની ક્રિકેટ કારકિર્દીમાં તેના પરિવારનું યોગદાન અને બલિદાન બંને મહત્વનાં છે. વૈભવના પિતા સંજીવ સૂર્યવંશી પોતે ક્રિકેટર બનવા માગતા હતા પણ સફળ ના થયા. સંજીવે શિપિંગ યાર્ડ કામદાર તરીકે કામ કર્યું ને પછી નાઈટક્લબમાં બાઉન્સર પણ બન્યા. સંજીવ પોતે સ્થાનિક સ્તરે ક્રિકેટ રમતાને નાનો વૈભવ તેમની સાથે જતો. પિતાને જોઈને વૈભવ બેટિંગના શરૂઆતના પાઠ શીખ્યો ને સ્થાનિક સ્તરે નાની ઉંમરે જ ચમકારા બતાવવા માંડ્‌યા પછી સંજીવે વૈભવને વિધિવત કોચિંગ આપવાનું નક્કી કર્યું.
વૈભવ બિહારના સમસ્તીપુરનો છે. બિહારની રાજધાની પટણાથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આવેલા સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાં કોચિંગની કોઈ વ્યવસ્થા નહોતી તેથી સંજીવ સૂર્યવંશીએ પટણામાં મનિષ ઓઝાની ક્રિકેટનેક્સ્ટ એકેડમીનો સંપર્ક કર્યો. ઓઝા વૈભવની ટેલેન્ટથી પ્રભાવિત થયેલા તેથી તેમણે તેને કોચિંગ માટે હા પાડી. સંજીવ પાસે પટણામાં રહેવાની વ્યવસ્થા નહોતી ને આવકનું સાધન નહોતું તેથી તેમણે પટણામાં નાઈટ ક્લબમાં બાઉન્સર તરીકે કામ સ્વીકાર્યું. વૈભવ સમસ્તીપુરમાં જ રહેતો ને ભણતો. સંજીવ નાઈટ ક્લબની નોકરી પૂરી કરીને રાત્રે બે વાગ્યે બાઈક પર સમસ્તીપુર જતા ને વૈભવને લઈને પાછા પટણા આવતા. તેની માતા બંને માટે ખાવાનું બનાવી દેતી.
વૈભવ રોજ સવારે ૭ઃ૩૦ વાગ્યે ટ્રેનિંગ શરૂ કરતો હતો અને સાંજ સુધી રમ્યા કરતો. એ દરમિયાન તેના પિતા પાસે જ ગમે ત્યાં સૂઈ જતા. પ્રેક્ટિસ પતે પછી એ વૈભવને પોતાની સાથે નાઈટ ક્લબ લઈ જતા ને ડ્‌યુટી પતાવીને તેને સમસ્તીપુર મૂકી આવતા ને પોતે આરામ કરીને સાંજે પાછા આવતા. આ પ્રકારનું શીડ્‌યુલ ગોઠવવું મજબૂરી હતી કેમ કે સંજીવ સૂર્યવંશીએ વૈભવ દરરોજ નહીં પણ દર બીજા દિવસે એકેડમીમાં જઈ શકતો. સળંગ ૪ વર્ષ સુધી આ રીતે વૈભવ અને તેના પરિવારે આકરી મહેનત કરી તેનું આ પરિણામ છે. વચ્ચે વૈભવના કોચિંગના ખર્ચને પહોંચી વળવા સંજીવે પોતાની ખેતીની જમીન પણ વેચવી પડી પણ હાર માન્યા વિના મચેલા રહ્યા તેથી વૈભવ સફળ થયો.
વૈભવની ઉમંર વિશે વચ્ચે વિવાદ થયા તેના કારણે પણ પરિવાર તણાવમાં આવેલો. જો કે બોન ટેસ્ટમાં વૈભવની સાચી ઉંમર પુરવાર થઈ ને બોર્ડે જ ટેસ્ટ કરેલો તેથી એ વિવાદ શમી ગયો.

સૂર્યવંશી સચિન બનશે કે કામ્બલી ?
ક્રિકેટમાં એવા ઘણા ખેલાડી આવ્યા કે જેમણે યુવા વયે બહુ અપેક્ષા જગાવી હોય પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યા ત્યારે ગાજ્યા મેઘ વરસ્યા જેવો ઘાટ થયો હોય. બહુ ઓછા ક્રિકેટરો એવા પાક્યા કે જે અપેક્ષા પ્રમાણે દેખાવ કરીને ઈતિહાસમાં અમર થઈ ગયા. ભારતમાં પુરૂષ ક્રિકેટરોમાં સચિન તેંડુલકર અને મહિલા ક્રિકેટરોમાં મિથાલી રાજ એવાં નામ છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ૧૯૮૯માં પાકિસ્તાન સામે માત્ર ૧૬ વર્ષની ઉંમરે ભારત માટે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો એ પહેલાં તેના નામનો જોરદાર હાઈપ ઉભો થયેલો. સચિનને પાકિસ્તાન સામેની પહેલી સીરિઝમાં ધમાકેદાર સફળતા નહોતી મળી પણ ઈમરાન ખાન, વસિમ અકરમ, વકાર યુનુસ, અબ્દુલ કાદિરના બનેલા ખતરનાક પાકિસ્તાની બોલિંગ આક્રમણ સામે સચિને જે ટેમ્પરામેન્ટ બતાવ્યો તેના પરથી જ સચિન લાંબી રેસનો ઘોડો છે એ સાબિત થઈ ગયેલું. ટેસ્ટ સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી સચિનના નામે અનેક એવા રેકોર્ડ છે કે જે કદી તૂટશે કે નહીં એ ખબર નથી.
મિતાલી રાજ ભારતની સર્વકાલીન મહાન મહિલા ક્રિકેટરોમાં એક છે. મિતાલીએ સ્થાનિક ક્રિકેટમાં મચાવેલા તહલકાના કારણે તેને માત્ર ૧૬ વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ મળ્યો અને ભારતીય ટીમમાં પસંદગી થઈ. મિતાલીએ પોતાની પહેલી વન ડે ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મિતાલીના નામે અનેક વર્લ્ડ રેકોર્ડ બોલે છે. લાંબા સમય સુધી ભારતની કેપ્ટન રહેલી મિતાલીએ તેની પાસેથી રખાયેલી અપેક્ષા પ્રમાણેનો દેખાવ કર્યો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનનો વસિમ અકરમ અને ઈન્ઝમામ ઉલ હક, શ્રીલંકાનો અર્જુન રણતુંગા, અફઘાનિસ્તાનનો રાશિદ ખાન વગેરે એવા ક્રિકેટરો છે. આ ક્રિકેટરોએ બહુ નાની ઉંમરે પોતાની ટેલેન્ટનો પરચો આપી દીધેલો અને તક મળી ત્યારે ચેમ્પિયનની જેમ રમ્યા.
બીજી તરફ ઘણા ક્રિકેટરો એવા છે કે જેમની પાસેથી બહુ અપેક્ષાઓ હતી પણ એ પ્રમાણે તેમનો દેખાવ ના રહ્યો. સચિનનો સ્કૂલ ટાઈમનો સાથી વિનોદ કાંબલી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કાંબલી સચિન કરતાં પણ વધારે ટેલેન્ટ ધરાવે છે એવા દાવા કરાયેલા પણ શરૂઆતના ચમકારા પછી કાંબલી બુઝાઈ ગયો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હસન રઝા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પાકિસ્તાનના હસન રઝાએ ૧૪ વર્ષ અને ૨૨૭ દિવસની સૌથી નાની ઉંમરે ટેસ્ટ ડેબ્યુ કર્યો ત્યારે એવા દાવા કરાયેલા કે, રઝા સચિન તેંડુલકર અને ઈન્ઝમામ હકને તો ક્યાંય પાછળ છોડી દેશે પણ એવું કશું થયું નહીં, રઝા પાકિસ્તાન માટે ૭ ટેસ્ટ મેચ અને ૬૧ વન-ડે ODI મેચ રમી શક્યો ને પછી ફેંકાઈ ગયો.
આશા રાખીએ કે, સૂર્યવંશી સચિન બને, કામ્બલી નહીં.
sanjogpurti@gmail.com