ધોરાજીના હિરપરા વાડી અને કૈલાશ નગર વિસ્તાર નજીક વહેલી સવારે એક શ્વાનનો મૃતદેહ અત્યંત બળેલી હાલતમાં મળી આવ્યો હતો. ઉપરથી પસાર થતો વીજ કંપનીનો જીવતો તાર તૂટીને નીચે પડવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલાં પણ આ જ જગ્યાએ કરંટાથી ગાયનું મોત નીપજ્યું હતું.વારંવાર બનતી આવી ઘટનાઓથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ માર્ગ ખેડૂતોને ખેતરે જવા માટેનો મુખ્ય રસ્તો છે અને નજીકમાં જ શાળા આવેલી હોવાથી અહીંથી નાના બાળકો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓની સતત અવરજવર રહે છે. સદનસીબે કોઈ માનવ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.











































