કોડીનારના છારા ઝાંપા વિસ્તારમાં સ્ટેડિયમ રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર (જીફય્) ખાતે અધિક માસ નિમિત્તે ભવ્ય “કેરી મનોરથ ઉત્સવ” તથા સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં કોડીનાર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી દર્શન, ભજન અને પ્રસાદનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને આજ્ઞાથી, તેમજ ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુબાપા અને સાસણ નિવાસી પ્રમોદભાઈ ભગતની પ્રેરણાથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી રાધારમણદેવ સમક્ષ પાકેલી, સુગંધિત અને રસદાર વિવિધ જાતની કેરીઓનો ભવ્ય અન્નકૂટ (કેરી મનોરથ) ગોઠવવામાં આવ્યો હતો. નાની-મોટી અનેક પ્રકારની કેરીઓના અન્નકૂટ ની સુંદર ગોઠવણ દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.











































