પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISHAN) યોજનાના તમામ લાભાર્થીઓ માટે વર્ષ ૨૦૨૬-૨૭નું વાર્ષિક ઈ-કેવાયસી (e-KYC) આગામી ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. દર વર્ષના પ્રથમ હપ્તાના વિતરણ પહેલાં આ પ્રક્રિયા કરાવવી આવશ્યક છે અને જે ખેડૂતો આ ઓથેન્ટિકેશન પૂર્ણ કરશે, તેમને જ યોજનાનો આગામી હપ્તો મળવાપાત્ર રહેશે. લાભાર્થીઓ નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ઈ-ગ્રામ કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક પધ્ધતિથી આ કામગીરી કરાવી શકે છે. આ ઉપરાંત, ગ્રામ્ય કક્ષાએ વિલેજ નોડલ ઓફિસર દ્વારા અથવા ખેડૂતો પોતે પીએમ-કિસાન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફેસ ઓથેન્ટિકેશન (ચહેરો ઓળખવાની પધ્ધતિ) દ્વારા ઓનલાઈન ઈ-કેવાયસી જાતે પણ કરી શકે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કામગીરીને કેમ્પેઈન મોડમાં ઉપાડીને ગામડાઓમાં વિશેષ કેમ્પો અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તમામ ખેડૂત મિત્રોને સમયમર્યાદામાં ઈ-કેવાયસી કરાવી લેવા અને વધુ માહિતી માટે ગ્રામ તલાટી કે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.








































