અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. જાફરાબાદના ભાકોદર ગામ નજીક સિંહના હુમલામાં એક યુવકનું મોત થયું છે. બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ પોલીસ તેમજ વન વિભાગને કરી હતી.

અમરેલીના જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક બાવળની કાટ વિસ્તારમાંથી એક યુવાનનો ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતદેહના માત્ર અવશેષો જ મળ્યા હોવાથી વન વિભાગે સિંહ દ્વારા હુમલો કરી યુવાનને ફાડી ખાધાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મૃતકની ઓળખ ભરતભાઈ મધાભાઈ બારૈયા તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ ભરતભાઈ છેલ્લા બે દિવસથી ગુમ હતા. તેમની શોધખોળ ચાલી રહી હતી ત્યારે ભાકોદર ગામ નજીકના બાવળના જંગલ વિસ્તારમાંથી માનવ અવશેષો મળ્યા હતા. ઘટનાની માહિતી મળતા ગ્રામજનોમાં ભય અને આક્રોશનો માહોલ ફેલાયો હતો.

ઘટનાને ગંભીરતાથી લઈ રાજુલા અને જાફરાબાદ બંને રેન્જના આરએફઓ સહિત વનવિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. વધતા જનઆક્રોશને ધ્યાનમાં રાખી જાફરાબાદ મરીન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસ અને વનવિભાગે લોકોની ભીડ દૂર કરી સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી.

વનવિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતદેહની હાલત અત્યંત ખરાબ હોવાથી સિંહના હુમલાની શકયતા વધુ લાગી રહી છે. જાકે સચોટ કારણ જાણવા માટે મૃતદેહના અવશેષોને વધુ તપાસ અર્થે ભાવનગર ખાતે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

આ સમગ્ર મામલે શેત્રુંજી ડિવિઝનના ચિરાગ અમીને જણાવ્યું હતું કે, “હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સિંહનો હુમલો હોવાનું લાગી રહ્યું છે. તેમ છતાં મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ સાચી વિગતો સામે આવશે.”

બીજી તરફ વનવિભાગની એક વિશેષ ટીમ દ્વારા આસપાસના વિસ્તારમાં સિંહનું લોકેશન ટ્રેસ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ગ્રામજનોમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વનવિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ ઘટનાએ ફરી એકવાર માનવ વસાહતો નજીક સિંહોની વધતી અવરજવર અને માનવ-વન્યજીવ સંઘર્ષનો મુદ્દો ગરમાવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વનવિભાગ પાસે સિંહોના મૂવમેન્ટ પર કડક નજર રાખવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વધારવાની માંગ ઉઠી રહી છે.