અમરેલી લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરીયા દ્વારા પોતાના વિસ્તારના સર્વાંગી માળખાગત વિકાસ માટે સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ના સમયગાળા દરમિયાન સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત અત્યાર સુધીની સૌથી ઝડપી અને રેકોર્ડબ્રેક કામગીરી નોંધાઈ છે. આ ચાલુ નાણાકીય વર્ષો દરમિયાન સાંસદની સક્રિયતાના કારણે સરકારી ગ્રાંટનો મહત્તમ અને સમયસર ઉપયોગ સુનિશ્ચિત થયો છે. આ બે વર્ષ દરમિયાન મળવાપાત્ર કુલ ૯.૮૦ કરોડ રૂપિયાની ગ્રાંટમાંથી તેમણે રેકોર્ડબ્રેક ૯૯.૯૦ ટકા જેટલી માતબર રકમ એટલે કે ૯.૭૯ કરોડ રૂપિયાના વિવિધ પ્રગતિશીલ વિકાસકામોની દરખાસ્તો રજૂ કરી દીધી છે. આ ભલામણો અંતર્ગત સમગ્ર લોકસભા વિસ્તારમાં કુલ ર૬૯ જેટલા નાના-મોટા લોકઉપયોગી વિકાસ કામોનો સમાવેશ થાય છે જેમાંથી ર૬૩ વિકાસકામોને વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. અત્યારસુધીમાં ૧પ૮ જેટલા વિકાસકાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને બાકીના કામો હાલ પ્રગતિ હેઠળ છે. આ યોજના હેઠળ રસ્તા, શાળાઓ, આંગણવાડી, સમુદાય ભવન, આરોગ્ય સુવિધાઓ અને પીવાના પાણીની સુવિધા જેવા લોકઉપયોગી કામો થવાથી સ્થાનિક નાગરિકોને સીધો લાભ મળી રહ્યો છે.