ભાવનગર શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દિવસે દિવસે વધી રહેલા તાપમાનની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જાવા મળી રહી છે. ખાસ કરીને ઝાડા-ઊલટી અને લૂ લાગવાના કેસોમાં વધારો નોંધાયો છે. શહેરના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, ઉનાળા દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે ૨૫૦૦ જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી ૨૪૮૩ જેટલા કેસ લૂ અને ગરમીજન્ય બીમારીઓ સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું છે. જાકે રાહતની વાત એ છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસોમાં અંદાજે ૭૦૦ જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે.
ગરમીના કારણે શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧૭ હજાર જેટલા ઓઆરએસના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત જાહેર સ્થળોએ ઓઆરએસ યુક્ત પાણીના જગ પણ મૂકવામાં આવ્યા છે જેથી લોકોને તાત્કાલિક રાહત મળી રહે. પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે પાણીના શુદ્ધીકરણ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ માટે શહેરમાં અંદાજે ૨૭ હજાર જેટલી ક્લોરિન ગોળીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી આરોગ્ય વિભાગે નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે.
ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું,ઓઆરએસ, છાશ, લીંબુ શરબત અને નાળિયેર પાણીનું સેવન કરવું જરૂરી છે. હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને બહાર નીકળતી વખતે માથું ઢાંકવું જાઈએ. બપોરે ૧૨થી ૪ દરમિયાન તડકામાં બહાર જવાનું ટાળવું અને ઠંડી જગ્યાએ રહેવું હિતાવહ છે. તાજું અને હળવું ખોરાક લેવો તેમજ ફળ-શાકભાજીનું પ્રમાણ વધારવું જાઈએ. ખૂબ ઠંડાં પીણાં, ચા-કોફી અને વાસી ખોરાકથી દૂર રહેવું જરૂરી છે. ખાલી પેટે બહાર ન નીકળવું અને બાળકો તથા વૃદ્ધોની ખાસ કાળજી રાખવી જાઈએ.
ભાવનગરના આરોગ્ય નિયંત્રણ અધિકારી ડો. વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે જાવા જઈએ તો ઉનાળાની ઋતુ દરમિયાન ૩૨૦૦ જેટલા ઝાડા-ઊલટીના કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે ૨૪૦૦ જેવા કેસો ઝાડા-ઊલટીના નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૭૦૦ જેટલા ઓછા કેસ નોંધાયા છે. આ રોગનો ફેલાવો ઓછો થાય તે માટે સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાણી શુદ્ધિકરણ માટે ૨૭૦૦૦ જેટલી ક્લોરિન ટેબલેટ પાણી શુદ્ધિકરણ માટે આપવામાં આવી છે. આ ઉપરાંત ૧૭૦૦૦ જેટલા ઓઆરએસના પેકેટોની વહેંચણી કરવામાં આવી છે.








































