હાલ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં ૪૨થી ૪૫ ડિગ્રી સુધીની અસહ્ય ગરમી પડી રહી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ, વડાપ્રધાને પણ દેશના નાગરિકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે ખાસ આહવાન કર્યું છે. આ બંને ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને અમરેલીના પ્રાધ્યાપક જે. એમ. તળાવિયાએ એક મહત્વનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાને પત્ર પાઠવીને એવી રજૂઆત કરી છે કે, ઉનાળુ વેકેશન ખુલતાની સાથે જ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજના તમામ અભ્યાસક્રમો ઓનલાઇન માધ્યમથી ચલાવવામાં આવે.જો આ નિર્ણય લેવામાં આવે તો વિદ્યાર્થીઓને કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી શકે તેમ છે અને સાથે જ વાહનોનો વપરાશ ઘટતાં દેશનું કિંમતી વિદેશી હુંડીયામણ પણ બચાવી શકાય તેમ છે. પ્રાધ્યાપકે આ વિષયની ગંભીરતા સમજીને યોગ્ય પગલાં ભરવા વિનંતી કરી છે. આ ઉપરાંત તેમણે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિકભાઈ વેકરીયા, રાજકોટના સંસદસભ્ય પુરુષોત્તમભાઈ રૂપાલા તેમજ અમરેલીના સંસદસભ્ય ભરતભાઈ સુતરિયાને પણ પત્ર પાઠવીને આ બાબતે વિસ્તૃત જાણ કરી છે જેથી આ પ્રસ્તાવ પર વહેલી તકે હકારાત્મક નિર્ણય લઈ શકાય.










































