રાજકોટમાં પરિવારિક સંબંધોને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ખેતીની જમીન પર લીધેલા ધિરાણની ભરપાઈ મુદ્દે ચાલતા લાંબા સમયના વિવાદે આખરે હત્યાનો રૂપ ધારણ કર્યો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૌત્રએ પોતાના જ દાદાની લોખંડના ટેબલ વડે હુમલો કરી હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

મૃતક અરજણભાઈ મિયાત્રા (ઉ.વ. ૭૩) શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હતા. પોલીસ અનુસાર, આરોપી પૌત્ર મોહિત મિયાત્રાએ દાદાની ખેતીની જમીન પર ખેતી કરવા માટે મંજૂરી મેળવી હતી. ત્યારબાદ તેણે જમીન પર અંદાજે રૂ. ૨.૫૦ લાખનું ધિરાણ લીધું હતું. જેમાંથી માત્ર રૂ. ૧.૫૪ લાખ જેટલી રકમ જ ભરપાઈ કરવામાં આવી હતી અને બાકી રકમ મુદ્દે દાદા-પૌત્ર વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી.

પોલીસ તપાસ મુજબ, ૨૫ મેની સવારે મોહિત દાદાના ઘરે ગયો હતો. ત્યાં ફરી એકવાર ધિરાણ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગુસ્સે ભરાયેલા પૌત્રએ પહેલા દાદાને ધક્કો મારી રેંકડીમાં પછાડ્યા હતા અને બાદમાં ઘરમાં પડેલા લોખંડના ટેબલ તથા પેવર બ્લોક વડે માથામાં હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે અરજણભાઈનું મોત થયું હતું.

હત્યાને અકસ્માત બતાવવા માટે આરોપીએ પોતાના ફુવાને ફોન કરીને દાદા પડી જતા ઈજા પહોંચી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જોકે, મૃતદેહ પર ઈજાના નિશાન દેખાતા પોલીસને શંકા ગઈ હતી.

પોલીસે પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરતા આરોપી મોહિત વારંવાર પીએમ ન કરાવવા દબાણ કરતો હતો. આ વર્તનથી શંકા વધુ ગાઢ બનતા પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી હતી. આખરે આરોપી ભાંગી પડ્યો અને દાદાની હત્યા કર્યાની કબૂલાત આપી દીધી હતી.ગુજરાત પોલીસે આરોપી પૌત્રની ધરપકડ કરી છે. હાલ પોલીસે ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું, હત્યામાં વપરાયેલા બોથડ પદાર્થોની જપ્તી અને અન્ય એનગલથી વધુ તપાસ શરૂ કરી છે.