અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખાન ખીજડીયા ગામે શિકારી શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા ૧૫ દિવસમાં માનવ પર થયેલો આ ત્રીજો હુમલો હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારના સાત વર્ષીય બાળક વિજય પર ત્રણ શ્વાનોએ જીવલેણ હુમલો કર્યો હતો.માહિતી મુજબ, બાળક ખેતર પાસે ચાલતો હતો ત્યારે અચાનક શ્વાનની ટોળકી તેના પર તૂટી પડી હતી. શ્વાનોએ બાળકના શરીરના અનેક ભાગોમાં બચકા ભરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરિવારજનો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકને બચાવી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વડિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.ખાન ખીજડીયા ગામના વાડી વિસ્તારમાં શ્વાનના સતત હુમલાઓથી ખેડૂત અને ખેત મજૂરોમાં ભારે ચિંતા ફેલાઈ છે. થોડા સમય પહેલા આ જ વિસ્તારમાં એક સાત વર્ષની બાળકીનું શ્વાનના હુમલામાં મોત નિપજ્યું હતું, જ્યારે તેની મોટી બહેન પર પણ જીવલેણ હુમલો થયો હતો.વારંવાર બની રહેલી આવી ઘટનાઓને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ખેડૂતો અને ખેત મજૂરોએ શિકારી શ્વાનની ટોળકી સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં ખેતીકામના સમયે નિર્દોષ બાળકો પર થતા આવા હુમલા અટકાવી શકાય અને ખેડૂતો ખેતી કામ કરી શકે.








































