હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ શનિવારે મહિલા ટી ૨૦ વર્લ્ડ કપ માટે મુંબઈથી ઇંગ્લેન્ડ રવાના થઈ. ભારતીય ટીમ આ આઇસીસી ઇવેન્ટમાં પ્રથમ વખત ટાઇટલ જીતવાના લક્ષ્ય સાથે પ્રવેશ કરશે. ભારતે ગયા વર્ષે વનડે વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી અને હવે તેનું લક્ષ્ય સૌથી ટૂંકા ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું રહેશે. ટીમના ખેલાડીઓ મુંબઈથી એકસાથે ઈંગ્લેન્ડ જવા રવાના થયા.
મહિલા ટી ૨૦ વર્લ્ડ કપ ૧૨ જૂનથી ૫ જુલાઈ દરમિયાન ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે.ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા, હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટી ૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમશે. આ શ્રેણી ૨૮ મેથી શરૂ થશે. ભારત આ શ્રેણી સાથે પોતાની તૈયારીઓને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.
ટી ૨૦ વર્લ્ડ કપ માટે ૧૨ ટીમોને છ-છના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમનો ગ્રુપ ૧ માં સમાવેશ થાય છે. ગ્રુપ ૧ ને “ગ્રુપ ઓફ ડેથ” માનવામાં આવે છે, જેમાં વર્તમાન દિગ્ગજ ખેલાડીઓ અને પરંપરાગત ભારત-પાકિસ્તાન હરીફાઈનો સમાવેશ થાય છે.
ગ્રૂપ ૧ઃ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ.
ગ્રૂપ ૨ઃ વેસ્ટ ઇન્ડિઝ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ.
૧૪ જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજ મેચ એજબેસ્ટન ખાતે રમાશે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો આ હાઇ-વોલ્ટેજ મેચ જાશે. વધુમાં, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવા મજબૂત હરીફો સામે ભારતની મેચો પણ રોમાંચક રહેવાની અપેક્ષા છે.
ટીમ હરમનપ્રીતની કેપ્ટનશીપ હેઠળ રમશે. ભારતીય મહિલા ટીમ આ વર્લ્ડ કપમાં હરમનપ્રીતની કેપ્ટનશીપ હેઠળ રમશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ મહિનાની શરૂઆતમાં ટી ૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટી૨૦ વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ટીમમાં અનકેપ્ડ નંદિની શર્મા અને વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રતિકા રાવલને ટીમમાં સામેલ કરવામાં આવી ન હતી, જ્યારે ઓલરાઉન્ડર અમનજાત કૌરને ઈજાને કારણે સામેલ કરવામાં આવી ન હતી.















































