કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવમાં કરવામાં આવેલા ઐતિહાસિક વધારાને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ વધાવી લીધો છે. કેન્દ્ર સરકારે કપાસ સહિત અંદાજે ૧૫ જેટલી ખેત પેદાશોના ભાવમાં માતબર વધારો જાહેર કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક રીતે સમૃધ્ધ બનાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યરત ડબલ એન્જિન સરકાર ખેડૂતોના પરસેવાનું યોગ્ય વળતર મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. આ નિર્ણય અંતર્ગત કપાસના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫૫૭નો વધારો કરી નવો ભાવ રૂ. ૮૨૬૮ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મગ, બાજરી અને તુવેર જેવા પાકોમાં પણ ૫૦ ટકાથી વધુ માર્જિન મળે તેવી વ્યવસ્થા સરકારે કરી છે. ખેતીના ખર્ચ સામે ઊંચા ભાવ મળવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે તેવા વિશ્વાસ સાથે અતુલ કાનાણી, જિલ્લા મહામંત્રીઓ અને મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીએ સરકારનો આભાર માની અભિનંદન પાઠવ્યા છે.











































