બગસરાના માર્કેટિંગ યાર્ડ પાછળના વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે, જેમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ અંત આણ્યો છે. વિજય અમરસિંહ પરમાર નામના વ્યક્તિને પોતાની પત્ની વિલાસ સાથે રસોઈ બનાવવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપી પતિ અવારનવાર દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી ઘરમાં વારંવાર કલેશ થતો હતો, પરંતુ આ વખતે મામલો બિચક્યો હતો. આવેશમાં આવી ગયેલા વિજયે ઘરમાં પડેલા તીક્ષ્ણ ત્રિકમના ચારથી પાંચ જીવલેણ ઘા ઝીંકી પત્નીની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ કરુણ ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસના ભાગરૂપે આજે પોલીસ કાફલા દ્વારા ઘટનાસ્થળે આરોપીની હાજરીમાં આખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીએ કઈ રીતે હુમલો કર્યો અને હત્યાને અંજામ આપ્યો તેની કડીઓ મેળવવા પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી.








































