ડાયમંડ સિટી સુરતમાં ફરી માનવતાને શર્મસાર કરતી ઘટના ફરી એકવાર પ્રકાશમાં આવી છે. વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી સક્રિય થયું હોવાનો પર્દાફાશ થયો છે. નવાઈની વાત એ છે કે, અગાઉ જેલમાં જઈ આવેલો આરોપી ફાર્માસિસ્ટ જામીન પર છૂટતાની સાથે જ ફરી આ ગોરખધંધામાં જોડાઈ ગયો હતો.
વરાછાના લાભેશ્વર ચાર રસ્તા પાસે આવેલી ‘મમતા મમલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ’માં જિલ્લા આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલને બાતમી મળી હતી કે, ગત વર્ષે ‘શિવાય હોસ્પિટલ’ કેસમાં પકડાયેલ આરોપી રામગોપાલ ખંડેલવાલ ફરીથી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહ્યો છે.
રેડ દરમિયાન હોસ્પિટલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આરોગ્ય વિભાગની ટીમે જ્યારે હોસ્પિટલની સફાઈ કરતી મહિલા કર્મચારીની કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે આખા રેકેટનો ભાંડો ફૂટ્યો હતો. આ મહિલાએ કબૂલાત કરી હતી કે રામગોપાલ ખંડેલવાલ પાસે કોઈ ડોક્ટરની ડિગ્રી નથી, તે માત્ર ફાર્માસિસ્ટ છે. ડિગ્રી વગર જ રામગોપાલ પોતે સગર્ભા મહિલાઓના ઓપરેશન (ગર્ભપાત) કરતો હતો. હોસ્પિટલમાં આવતી મહિલાઓના ગર્ભનું પરીક્ષણ કરી ભ્રૂણ હત્યા કરવામાં આવતી હતી.
દરોડા દરમિયાન હોસ્પિટલમાંથી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવી હતી, જેઓ વ્યારા અને મહારાષ્ટ્રના શિરપુરથી ખાસ ગર્ભપાત કરાવવા માટે આવી હતી. જોકે, તપાસ અને એમ્બ્યુલન્સ બોલાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે તકનો લાભ ઉઠાવી વ્યારાની ૨૪ વર્ષીય મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી. બાકીની બે મહિલાઓને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી પરીક્ષણ માટે ખસેડવામાં આવી છે. આરોપી રામગોપાલ ખંડેલવાલ ૨૦૨૫માં પણ ‘શિવાય હોસ્પિટલ’ કેસમાં ઝડપાયો હતો. જેલમાંથી બહાર આવતા જ તેણે ‘મમતા હોસ્પિટલ’ના નામે ફરી આ કાળો કારોબાર શરૂ કર્યો હતો.
વરાછા પોલીસે આ મામલે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલની સાધન-સામગ્રી જપ્ત કરી છે અને આ નેટવર્કમાં અન્ય કયા ડોક્ટરો કે એજન્ટો સંકળાયેલા છે તેની તપાસ હાથ ધરી છે. સુરતમાં વારંવાર ઝડપાતા આવા રેકેટોએ આરોગ્ય તંત્ર અને કાયદા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે.








































