ગીર સોમનાથના સુત્રાપાડા ફાટક નજીક આવેલા સુંદરપરા ટોલ નાકા પર કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો અને પત્રકાર સાથે ઉધ્ધત વર્તન કરી ખુલ્લી ધમકીઓ આપવાની ઘટના સામે આવી છે. ફાસ્ટટેગ રિચાર્જ મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીમાં ટોલ કર્મચારીઓએ પત્રકાર અલ્તાફ મુગલ અને સાથી મુસાફરો સાથે દાદાગીરી કરી હતી.વીડિયોમાં કર્મચારીઓ પોલીસ તંત્રનો કોઈ ડર ન હોય તેમ “દિલ્હીથી પોલીસ બોલાવો” કહી પડકાર ફેંકતા નજરે પડે છે. આ મામલે સોશિયલ મીડિયા પર આક્રોશ ફાટી નીકળતા ગુજરાત પોલીસ વડાએ ગંભીર નોંધ લીધી છે. રાજ્ય પોલીસ વડાએ ગીર સોમનાથ એસ.પી.ને તાકીદે પીડિતોનો સંપર્ક કરી, પુરાવાઓના આધારે કડક કાર્યવાહી કરવા અને ટોલકર્મીઓ વિવેકપૂર્ણ વર્તન કરે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ ટોલ નાકા વિરુધ્ધ અનેક ફરિયાદો ઉઠી ચૂકી છે, ત્યારે હવે પોલીસની કાર્યવાહી પર સૌની મીટ મંડી છે.









































