રાજકોટમાં ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયાએ ભાજપ સરકાર અને વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કરીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. લલિત વસોયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભાજપ અત્યારે હારના ડરથી ફફડી રહ્યું છે.
લલિત વસોયાએ ભાજપ પર ‘લોકશાહીની હત્યા’ કરવાનો આરોપ લગાવતા ઉમેર્યું કે, કોંગ્રેસના મજબૂત ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા માટે ભાજપ દ્વારા લાખો રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે. જે ઉમેદવારો લાલચમાં નથી આવતા, તેમને પોલીસ અને સત્તાના જારે ડરાવવામાં આવી રહ્યા છે. લલિત વસોયાએ જણાવ્યું હતું કે ભાજપે સત્તા મેળવવા માટે હવે બૂટલેગરો અને ભૂમાફિયાઓને મેદાનમાં ઉતાર્યા છે. આ લોકશાહી માટે ખતરો છે.
લલિત વસોયાએ સરકારી તંત્રની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવતા કહ્યું કે ભાજપ હાર ભાળી ગયું હોવાથી પોલીસનો સહારો લઈને કોંગ્રેસના ઉમેદવારોને ધાક-ધમકી આપી રહ્યું છે. ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા હોવા છતાં ભાજપના ઈશારે કામ કરી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ વસોયાએ કર્યો છે.
ઉમેદવારોના તોડજાડના ભયને જાતા કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. આ અંગે ખુલાસો કરતા વસોયાએ જણાવ્યું કે, ભાજપ દ્વારા પૈસાની લાલચ આપીને કે દબાણ કરીને ફોર્મ પાછા ખેંચાવવાની જે રમત રમાઈ રહી છે, તેનાથી બચવા માટે ઉમેદવારોને સહેલગાહે લઈ જવામાં આવ્યા છે.









































