ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ દ્વારા છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે લાઠી શહેરમાં એક મહિલા ઓનલાઇન ગઠિયાનો શિકાર બની હતી. મોંઘીદાટ ગિફ્ટ્સની લાલચ આપી અજાણ્યા શખ્સોએ તેની પાસેથી રૂ. ૨,૦૬,૦૦૦ પડાવી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. કનીઝાબેન સોહીલભાઇ પોપટીયા (ઉ.વ.૨૬)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યા આરોપીઓએ અલગ-અલગ વિદેશી અને ભારતીય મોબાઈલ નંબરો પરથી તેમને વોટ્સએપ કોલ કર્યો હતો. આરોપીઓએ તેમને વિશ્વાસમાં લઈ જણાવ્યું હતું કે, તેઓને મોંઘોદાટ એપલ મોબાઈલ, હીરાની વીંટી, સોનાનો નેકલેસ અને ચોકલેટ જેવી કિંમતી વસ્તુઓ ગિફ્ટમાં મોકલી રહ્યા છે. ગિફ્ટ મોકલવાના બહાને આરોપીઓએ તારીખ ૨૬/૦૨/૨૦૨૬ થી ૦૩/૦૩/૨૦૨૬ દરમિયાન તેમને લલચાવી-ફોસલાવી અલગ-અલગ ચાર્જિસ અને પ્રોસેસિંગ ફીના નામે ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવ્યા હતા. વિશ્વાસમાં આવીને તેમણે કુલ રૂ. ૨,૦૬,૦૦૦ ટ્રાન્સફર કરી દીધા હતા. લાંબો સમય વિતવા છતાં કોઈ ગિફ્ટ ન મળતા અને વધુ પૈસાની માંગણી થતા તેમને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.









































