અમેરિકા ઇઝરાયેલ દ્વારા ઈરાન સાથે શરુ કરાયેલું યુધ્ધ લંબાતું જાય છે. બંને દેશોની ધારણા કરતા ઈરાન વધુ તાકાત બતાવી રહ્યું છે. પોતાના સર્વોચ્ચ નેતા સાથે લગભગ આખી વહીવટી અને લશ્કરી કેડરના આગેવાનો ખતમ થઇ ગયા બાદ પણ ઈરાન મજબૂતીથી જવાબ આપી રહ્યું છે. અમેરિકાના દાવા મુજબ ઈરાનની બધી આગેવાની લગભગ ખતમ થઇ ચુકી છે. જો એમ જ હોય તો એવું કહી શકાય કે ઈરાનનું માથા વિનાનું ધડ લડી રહ્યું છે. અમેરિકા ઇઝરાયેલ દ્વારા જે ચાર પાંચ ઈરાદાઓ સાથે ઈરાન પર આક્રમણ કરવામાં આવ્યું હતું એમાનો આયાતોલ્લાહ ખામેઈનીનો ખાત્મો કરવાનો એક ઈરાદો જ હજુ સુધી સફળ થયો છે. બીજા ઈરાદાઓ સિદ્ધ થયા કહી શકાય એ સ્તર સુધી યુધ્ધ નિર્ણાયક  સ્થિતિમાં પહોચી શક્યું નથી. બંને છેડે ભારે ખુવારી થઇ રહી છે અને આખી દુનિયાના દેશો પર તેની ઓછી વત્તી અસર થઇ રહી છે.
ચપટી વગાડતા ઈરાનને ધ્વસ્ત કરીને યુધ્ધ જીતી જવાના દાવાઓ કરતુ અમેરિકા આજે નાટો, ફ્રાંસ, જર્મની, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશો પાસે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે મદદ માંગી ચુક્યું છે. અમેરિકાને ધક્કો ત્યારે લાગ્યો જયારે આમાના અમુક દેશોએ અમેરિકાને મોઢા પર એમ કરવાની ના પાડી દીધી. આવું કદાચ પહેલી વખત બન્યું છે કે વિશ્વના સૌથી મજબૂત અને તાકતવર સૈન્યશક્તિ ધરાવતા દેશ અમેરિકાએ પોતે શરુ કરેલા યુધ્ધમાં અન્ય દેશોની મદદ માંગી હોય, અને એ દેશોએ ના પાડી દીધી હોય. અમેરિકા સામાન્ય રીતે ના સંભાળવા ટેવાયેલું નથી. ના સાંભળીને અમેરિકન પ્રમુખ ધાકધમકી પર ઉતરી આવ્યા છે. વ્યુહાત્મક તૈયારીઓમાં રહી ગયેલી મોટી ચૂક સ્વરૂપ આ નાનો સાંકડો દરિયાઈ રસ્તો અમેરિકા માટે કપરું ચઢાણ બની ગયો છે. વાઘની સવારી છે, નીચે કેમ ઉતરવું એ મોટો પ્રશ્ન બની ગયો છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થઈને મોટા જથ્થામાં તેલ અને ગેસ પસાર થાય છે. ટ્રમ્પની મદદની ગુહાર વચ્ચે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરગચીએ જાહેર કર્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ નથી, એ માત્ર દુશ્મન દેશો માટે જ બંધ છે. જે રાષ્ટ્રો ઈરાનના મિત્ર રાષ્ટ્રો છે, એમના માટે આ ૩.૭ કિલોમીટરનો સાંકડો રસ્તો ખુલ્લો છે. સામાન્ય રીતે યુધ્ધ શરુ કરતા પહેલા દુશ્મનની તાકાત અને સીધા તેમજ આડકતરા હથિયારોનો તર્કપૂર્ણ અભ્યાસ કરી લેવામાં આવતો હોય છે. દુશ્મન દેશની ભૌગોલિક સ્થિતિને લઈને તેની પાસે જે અનુકુળતા અને પ્રભુત્વ ધરાવતી બાબતોને લઈને પણ એક વ્યુહાત્મક તૈયારી થઇ જતી હોય છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશે અભ્યાસ કરવાનું કદાચ અમેરિકા અને ઇઝરાયેલ ચુકી ગયા છે. આજના સમયમાં હવે યુધ્ધ બીજા દિવસથી જ આર્થિક અસરો આપવાનું શરુ કરી દે છે. અમેરિકા ઇઝરાયેલ અને ઈરાનના આ યુધ્ધમાં જ આપણે જોયું કે પહેલો બોમ્બ ફેંકયાના બીજા દિવસથી ભારતના દૂરદરાજ વિસ્તારમાં ગેસની બોટલ મળવી મુશ્કેલ બની ગઈ હતી. એ વિસ્તારના ગામડાનો દુનિયાની સ્થિતિઓથી સતત અજાણ રહેતો કોઈ નિર્દોષ ગેસની લાઈનમાં આગળ ઉભેલા પાસેથી માહિતી મેળવે છે કે ફલાણી જગ્યાએ ફલાણા ફલાણા દેશો વચ્ચે માથાકૂટ થઇ ગઈ છે એટલે હવે બાટલો મોડો મળશે. આપણો ગેસ ત્યાંથી આવે છે.
આ બધા વચ્ચે એવું કહેવાઈ રહ્યું છે કે બે ત્રણ દેશ પોતાની સ્થિતિ જાળવી રાખવામાં સફળ થઇ રહ્યા છે. એમનું સૌ પ્રથમ રશિયા છે, જે આ કટોકટીના સમયમાં ઊંચા ભાવે પોતાનું ક્રુડ વેંચીને તગડો નફો કમાઈ રહ્યું છે. બીજું છે ચીન જે પોતાની ઈરાન તરફથી આવતી ક્રૂડની ખેપ યથાસ્થિતિ રાખવામાં સફળ રહ્યું છે. ચીન ઈરાની ક્રૂડનું સૌથી મોટું ખરીદાર છે. ત્રીજો દેશ ભારત છે જે ઈરાન સાથે કોઈપણ સમજૂતી કર્યા વિના, માત્ર વાતચીત કરીને પોતાની તેલ ગેસની સપ્લાઈ જાળવી રાખી રહ્યું છે. ભારતની આ કુનેહ અને કુટનીતિ આખી દુનિયા જોઈ રહી છે. અમેરિકા જેવા દેશમાં પણ પેટ્રોલીયમ ઉત્પાદનોના ભાવ વધ્યા છે, જયારે ભારતમાં હજુ સ્થિર છે. એક કારણ પાંચ રાજ્યોની ચૂંટણી પણ હોઈ શકે, પરંતુ સરકાર બજારનું આ સેન્ટીમેન્ટ પચાવી રહી છે એ હકીકત છે. વડાપ્રધાન અમેરિકા સામે ઝુકી ગયા છે એવો વિધવાવિલાપ કરતા વિપક્ષની પીડાનો પાર નથી. વડાપ્રધાનના વિદેશપ્રવાસો અંગે કોમેડિયન કક્ષાની કોમેન્ટોની ઉલ્ટી કરતા રહેતા નેતાઓ અને ભાંડ દરબારી ચાટુંકારો એ બખૂબી જાણે છે કે આજની ભારતની મજબૂત અને લગભગ તટસ્થ રહીને પોતાનું કામ કરી લેવાની સ્થિતિ એ બધા પ્રવાસોને આભારી છે. મિડલઈસ્ટમાં ભારતનું સ્થાન આટલું મહત્વનું અને મજબૂત ક્યારેય નહોતું.
આપણે ત્યાં એક બાબત ખુબ પ્રચલિત છે કે કોઈ ઘરના સભ્યો વચ્ચે ચાહે તેવો ખટરાગ હોય, પણ જયારે બહારથી મુશ્કેલી આવે ત્યારે બધા સભ્યો એક થઈને મુકાબલો કરે છે. ભારતના વિપક્ષને એ લાગુ પડતું નથી.યુધ્ધની આ સ્થિતિમાં વિપક્ષનો ધર્મ છે કે સરકારની પડખે ઉભા રહીને, સરકાર પાસે જવાબો માંગતા રહીને સરકારને જાગ્રત રાખે, એના બદલે એ પોતાની રાજનીતિમાં મસ્ત છે. જે મુદ્દે જનતાને સમજૂત કરવાની બને છે, એ મુદ્દે ઉલ્ટા ભ્રમ ફેલાવવામાં વિપક્ષને રસ છે. સરકાર પાસેથી પોતાની નીતિઓ આધારિત નિવેદનો બોલાવવામાં વિપક્ષ પોતાની શક્તિ ખર્ચી રહ્યો છે. જયારે બીજા દેશોના વડાઓ એવું કહી રહ્યા છે કે ભારત યુદ્ધ અટકાવી શકે છે, શાંતિ સ્થાપિત કરાવી શકે છે, ત્યારે દેશનો વિપક્ષ ‘વડાપ્રધાન આમ કેમ બોલ્યા ?, વડાપ્રધાન આમ કેમ ન બોલ્યા ?’ જેવી બાબતોમાં અટવાઈ ગયો છે.
ક્વિક નોટ — दूरस्थाः पर्वताः रम्याः वेश्याः च मुखमण्डने
युद्धस्य तु कथा रम्या त्रीणि रम्याणि दूरतः भ्भ्
ઉંચા અને દુર્ગમ પર્વત, તથા પોતાના મુખને વિભિન્ન સૌંદર્ય પ્રસાધનોથી સુસજ્જિત કરેલ એક વેશ્યા દૂરથી જોવામાં  જ સુંદર લાગે છે. એ પ્રમાણે યુધ્ધનું વર્ણન સાંભળવામાં જ સુંદર લાગે છે. આ ત્રણેયથી જેટલુ અંતર રાખીને જોઈ કે સાંભળી શકાય એટલું જ શ્રેયસ્કર છે.