રાજુલાના રામપરા-૨ ગામે રહેતા વાઘાભાઇ ભીખાભાઇ વાઘ (ઉ.વ.૪૨)એ કોવાયા ગામના મુળુભાઇ સુમરાભાઇ લાખણોત્રા સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત મળતી માહિતી મુજબ, તેઓ પોતાની ફોર-વ્હીલ ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપી મુળુભાઈ લાખણોત્રાએ પાછળથી સતત હોર્ન વગાડી, ભયજનક રીતે પોતાની ગાડી હંકારી હતી. તેમણે અકસ્માત ટાળવા માટે પોતાની ગાડી સાઈડમાં લઈ લીધી હોવા છતાં, આરોપીએ જાણીજોઈને પોતાની ગાડી ફરિયાદીની કાર સાથે અથડાવી હતી. જ્યારે તેણે આરોપીને ગાડી દૂર રાખવા જણાવ્યું, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલા પાછળનું કારણ કૌટુંબિક અદાવત જવાબદાર છે. આરોપીની બહેન તેમના ભાઈની પત્ની હતી. આશરે ત્રણ વર્ષ પહેલા તેમના ભાઈએ હત્યા કરી હતી. આ જૂના મનદુઃખ રાખીને આરોપીએ આ કૃત્ય આચર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અકસ્માત તોડફોડમાં કારમાં ૮૦,૦૦૦નું નુકસાન થયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એલ.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































