અમરેલી નજીક માંગવાપાળ પાસે ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. નોકરી પર જઈ રહેલા એક યુવાનના મોટરસાયકલને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. આ અંગે ઉદયભારથી મનુભારથી ગોસાઇ (ઉ.વ.૪૪) એ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેના ફઈનો દીકરો મૃતક યુવાન પોતાનું મોટરસાયકલ લઈને સનાળા ગામથી અમરેલી ખાતે આવેલી એસ.બી.આઈ. બેંકના એટીએમમાં નાઈટ સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરીએ જઈ રહ્યો હતો.જ્યારે તે નાના ભંડારીયાના પાટિયાથી આગળ માંગવાપાળ વચ્ચે ધૂળિયા કૂવા પાસે પહોંચ્યો ત્યારે સામેથી આવતા એક અજાણ્યા વાહન ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી મોટરસાયકલ સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનને મોઢાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહન લઈને ભાગી છૂટ્યો હતો.








































