જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામ નજીક મોડી રાત્રે એક સિંહ અચાનક હાઇવે પર પસાર થતા વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. હાઇવે પર સિંહના આંટાફેરાના દ્રશ્યો વાહનચાલકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા, જેને પગલે વનવિભાગની સુરક્ષા કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. નેશનલ હાઇવે પર સિંહની હાજરીથી સ્થાનિકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ આ જ હાઇવે પર વાહનોની અડફેટે બે સિંહ અને એક દિપડાના મોત થઈ ચૂક્યા હોવાની ઘટનાઓ બની છે. વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં વનવિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં ન આવતી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વન્યપ્રાણીઓની સુરક્ષા અને માનવ અકસ્માત નિવારવા માટે કાગવદરથી ટીંબી સુધીના માર્ગ પર વનવિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગણી કરાઈ છે.