સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી એસએમસીની રેઈડ
એસએમસીએ બોલેરો ટ્રક સહિત કુલ રૂ.૬૮.૬પ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમરેલી જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવવાનો સિલસિલો સતત યથાવત રહ્યો છે. બુધવારની મોડી રાત્રે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આકસ્મિક દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી પાડતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અગાઉ પણ એસએમસી દ્વારા ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ અથવા તો તેમની ગંભીર બેદરકારીને કારણે બુટલેગરો હવે બેફામ બન્યા છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે જ્યારે સ્થાનિક પોલીસ નિષ્ફળ જાય છે ત્યારે જ ગાંધીનગરની ટીમ દરોડા પાડે છે. રાજુલા તાલુકામાંથી વિદેશી દારૂના મોટા કારોબારનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે બાતમીના આધારે રાજુલાના ભચાદર ગામ નજીક દરોડો પાડીને મોટા પાયે ચાલી રહેલું વિદેશી દારૂનું કટિંગ ઝડપી પાડ્યું છે. SMCની કાર્યવાહી દરમિયાન વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૫,૧૭૮ બોટલો મળી આવી છે.પોલીસે દારૂનો જથ્થો, બોલેરો ટ્રક અને અન્ય સાધનો મળી કુલ રૂ.૬૮,૬૫,૭૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ આર.કે. કરમટાની આગેવાનીમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. હાલમાં પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હોળી-ધુળેટીના તહેવારો પૂર્વે દારૂબંધીના કડક અમલ માટે SMC દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વારંવાર SMC ની ટીમ દ્રારા દરોડા બાદ હવે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે આકરા પગલાં લેવામાં આવે છે કે કેમ તેની પર લોકો નજર રાખી રહ્યાં છે.
ડ્રાઈવર ઝડપાયો જયારે આઠ આરોપીઓ પોલીસ પકડથી દૂર
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ટ્રક ડ્રાઈવર વિજય વગોરાની ધરપકડ કરવામાં આવી છે, જે દ્વારકા જિલ્લાનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો છે. જોકે, દરોડા દરમિયાન અન્ય મુખ્ય આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા ડ્રાઈવરની સઘન પૂછપરછમાં આ આખા નેટવર્ક સાથે જોડાયેલા અન્ય આઠ શખ્સોના નામ સામે આવ્યા છે. જેમાં વાડીના માલિક દડુ સુરંગ ધાખડા અને જામનગરના વસીમ યુસુફ મકરાણીનું નામ મુખ્ય રીતે ખુલ્યું છે, જેણે દારૂના જથ્થાની વ્યવસ્થા કરી હતી. દારૂ મંગાવનારાઓમાં રાજુલાના શેલાર ધાખડા અને વડ ગામના અજય ખુમાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દમણથી દારૂ સપ્લાય કરનાર અજ્ઞાત વ્યક્તિ અને બોલેરો પીકઅપના ડ્રાઈવર તોસિફ મુરાદ જોખિયા સહિત વાહનોના માલિકો પણ હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસ હાલ આ તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી રહી છે.
પોલીસે દારૂ સાથે બે વાહનો પણ જપ્ત કર્યા
પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન કુલ ૧૫,૧૭૮ નંગ વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેની અંદાજિત કિંમત રૂ. ૪૬,૮૮,૬૭૫ જેટલી થાય છે. આ સફળ કામગીરીમાં દારૂના જથ્થા ઉપરાંત હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલા રૂ. બે લાખની કિંમતના એક ટ્રક અને એક બોલેરો પીકઅપ સહિતના બે વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. વધુમાં પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી રૂ. ૧૨,૦૬૦ની રોકડ રકમ તેમજ રૂ. ૫,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂ. ૧,૫૯,૯૭૫ની કિંમતના ૨૩૭ નંગ ચોકરા કટા બાચકા મળી આવ્યા છે. આમ પોલીસે કુલ રૂ. ૬૮,૬૫,૭૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.







































