ઉના તાલુકાના સીમાસી ગામમાં મતદાર યાદી સંબંધિત મુદ્દે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે ગામમાં ભરાયેલા તમામ ફોર્મ-૭ ની સઘન અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ જે મતદારો હયાત છે અને સ્થળાંતર કર્યું નથી તેમના નામ મતદાર યાદીમાંથી કાપવામાં ન આવે. આક્ષેપ મુજબ ગામમાં રહેણાંક ધરાવતા તથા ખાતેદાર ખેડૂત તરીકે નોંધાયેલા વ્યક્તિઓના નામ સામે અજાણ્યા લોકો દ્વારા ખોટા વાંધા રજૂ કરી ફોર્મ-૭ દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આશરે ૧૯૬થી વધુ મતદારોના નામ સામે આવા ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોએ આને મુસ્લિમ સમાજને મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ ગણાવી બંધારણીય હકોની રક્ષા માટે યોગ્ય પગલાં લેવાની માંગણી કરી છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે.










































