સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા ખંડણીના કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. લીંબાયત પોલીસે આ કેસમાં તપાસ લંબાવતા આમ આદમી પાર્ટીના વધુ એક સ્થાનિક નેતા મહેન્દ્ર ગૌસ્વામીની ધરપકડ કરી છે. આ ધરપકડને પગલે રાજકીય આલમમાં ભારે ગરમાવો જાવા મળી રહ્યો છે.
આ કેસની વિગત મુજબ સુરતના એક સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારી પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ વેપારીને ડરાવી-ધમકાવીને તેની પાસેથી કુલ દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આરોપ હતો કે ‘આપ’ ના નેતાઓ દ્વારા વેપારીને હેરાન ન કરવાના બદલામાં આ રકમ માંગવામાં આવી હતી.
આ અગાઉ લિંબાયત પોલીસે આ જ ગુનામાં આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણ જાશી સહિત બે વ્યકિતઓની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરતા હાલ તેઓ પાસા હેઠળ અલગ-અલગ જેલમાં સજા કાપી રહ્યા છે. પોલીસની પૂછપરછ દરમિયાન અને ટેકનિકલ સર્વેલન્સમાં મહેન્દ્ર ગૌસ્વામીનું નામ સામે આવ્યું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ખંડણીના આ નેટવર્કમાં મહેન્દ્ર ગૌસ્વામી પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યો હતો. વેપારીને ધમકાવવા અને નાણાકીય વ્યવહારમાં તેની સંડોવણી હોવાના પુરાવા મળતા લિંબાયત પોલીસે તેની અટકાયત કરી છે. લિંબાયત પોલીસ સ્ટેશન ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથા સામેલ છે કે કેમ તેની વિગતો જાણી શકાય.
સુરતમાં એક પછી એક ‘આપ’ નેતાઓના નામ ગુનાહિત પ્રવૃત્તિઓમાં આવતાં અનેક ચર્ચાઓ જાગી છે. હાલમાં લિંબાયત પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આવનારા દિવસોમાં આ કેસમાં હજુ પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા  છે.