અમરેલીમાં ગઈકાલે મોડી રાત્રે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને એક વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી કે આશરે ૧૬ વર્ષની એક અજાણી કિશોરી બસ સ્ટેન્ડ પહોંચવા માટે લોકો પાસે મદદ માગી રહી છે. જાણ મળતા જ કાઉન્સેલર પૂનમ ભુવા, મહિલા GRD વનિતાબેન અને પાયલોટ હાર્દિકભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
શરૂઆતમાં કિશોરીએ પોતે રાજસ્થાનના જયપુરથી મિત્રો સાથે ફરવા આવી હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેની વાતમાં શંકા જતાં ટીમે આધાર કાર્ડની ચકાસણી કરી હતી. તપાસમાં કિશોરી અમરેલીની જ રહેવાસી હોવાનું સામે આવ્યું. ત્યારબાદ તેણે માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા મન દુઃખથી કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હોવાનું સ્વીકાર્યું હતું. ૧૮૧ ટીમે પરિવારનો સંપર્ક કરી કિશોરીને સુરક્ષિત રીતે માતાને સોંપી હતી. સાથે જ માતા અને કિશોરીનું કાઉન્સેલિંગ કરી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સમજણ આપવામાં આવી હતી. પરિવારજનોએ ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.