લાઠી તાલુકાના જરખીયાથી કેરાળા ગામને જોડતા નોન પ્લાન રોડના નવીનીકરણ અને મજબૂતીકરણ કામનું ખાતમુહૂર્ત આજે સાંસદ ભરતભાઇ સુતરીયા તથા લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ. ૩.૩૦ કરોડના ખર્ચે બનનાર આ રોડથી વિસ્તારના લોકો માટે સુવિધા, સલામતી અને વિકાસની નવી દિશા ખુલશે. આ પ્રસંગે સાંસદ ભરતભાઇ સુતરીયાએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સારા અને મજબૂત માર્ગો અતિ આવશ્યક છે. જરખીયા–કેરાળા રોડ લાંબા સમયથી લોકોની માંગ રહ્યો હતો, જે આજે સાકાર થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, તાલુકા ભાજપના મહામંત્રી, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સરપંચો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.