ધારી તાલુકાના ભાડેર ગામે જમીનમાં દાટી દીધેલો યુવકનો મૃતદેહ મળ્યો હોવાની જાણ ધારી પોલીસને થતા ધારી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજા લઈ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ભાડેર ગામેથી મૃતદેહ મળતા નાના એવા ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
લોકોમાં ચર્ચાતી માહિતી મુજબ ધારી તાલુકાના ભાડેર ગામે મોણવેલ રોડ પર રેલવે સ્ટેશન નજીક વશરામભાઈ શામજીભાઈ સેંજલીયાની ઢાંકણીયાના ઢોરા તરીકે ઓળખાતી જમીન આવેલી છે. જયાં અન્ય ખેડૂતના ભાગીયા તરીકે કામ કરતા શ્રમિકો બળતણ વીણવા માટે ગયા હતા. શ્રમિકો વશરામભાઈ સેંજલીયાની જમીનમાંથી બળતણ વીણતા હતા ત્યારે ખુબ જ દુર્ગંધ આવતી હોવાથી શ્રમિકોએ દુર્ગંધવાળી જગ્યાએ તપાસ કરતા ત્યાં કોહવાઈ ગયેલી હાલતમાં
મૃતદેહ હોવાનું સામે આવ્યુ હતું. જેથી શ્રમિકોએ આ અંગે તાત્કાલિક તેમના ખેતી માલિકને જાણ કરી હતી જેથી ખેડૂત પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ખેડૂતે તાત્કાલિક આ બાબતે ધારી પોલીસને જાણ કરી હતી. ધારી પોલીસે વાડી માલિક વશરામભાઈને જાણ કરી હતી. જેથી વશરામભાઈ રાજકોટ હોય ત્યાંથી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ મૃતદેહ કોનો છે તે દિશામાં પોલીસ તપાસ કરતી હતી ત્યારે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાડી માલિક વશરામભાઈનો પુત્ર હિતેષ છેલ્લાં ઘણા દિવસોથી ગાયબ છે જેથી પોલીસે કડક રીતે પૂછપરછ કરતા વશરામભાઈ ભાંગી પડ્યા હતા અને તેણે જ તેના પુત્ર હિતેષનું ગળુ દોરડા વડે દબાવી હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું.જાણવા મળતી માહિતી મુજબ મૃતક હિતેષ કોઈ કામધંધો કરતો ન હોય અને સતત દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી વારંવાર પિતા સાથે માથાકૂટ થતી હતી. ઘણીવાર મૃતક હિતેષ તેના પિતા વશરામભાઈને માર પણ મારતો હતો જેથી વારંવાર પુત્રના મારથી કંટાળી વશરામભાઈએ આવેશમાં આવી પુત્રનું ઢીમ ઢાળી દીધું હતું. પિતાએ પુત્રની હત્યા કરી નાખવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
હત્યા કર્યા બાદ વશરામભાઈ રાજકોટ નાસી ગયા
જાણવા મળતી માહિતી મુજબ પોતાની જ વાડીમાં પુત્ર હિતેષની હત્યા કર્યા બાદ વશરાભાઈ રાજકોટ રહેતા તેના મોટા પુત્રના ઘરે નાસી ગયા હતા. આ ઘટનાની જાણ વશરામભાઈએ તેના મોટા પુત્રને પણ કરી નહોતી પરંતુ વશરામભાઈની વાડીમાંથી કોહવાયેલો મૃતદેહ મળતા પોલીસે વશરામભાઈને રાજકોટથી બોલાવી પૂછપરછ કરતા આખી ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો.
મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો
ભાડેર ગામેથી હિતેષ સેંજલીયા (ઉ.વ.ર૮)ની હત્યા દોઢેક માસ પહેલા કરવામાં આવી હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલવવામાં આવ્યો છે. જો કે હત્યા કેટલા સમય પહેલા કરવામાં આવી હતી તે પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડશે.
મૃતક માતા પાસે બિભત્સ માંગણી કરતો હતો
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક હિતેષ દારૂના નશામાં ભાન ભુલી માતા-પુત્રના સંબંધને પણ લાંછન લગાડતો હતો. હિતેષ દારૂના નશામાં તેની માતા પાસે પણ બિભત્સ માંગણી કરતો હોય જેથી કંટાળી પિતા વશરામભાઈએ જ પુત્રને દોરડા વડે ગળેટૂંપો દઈ પતાવી દીધો હતો.








































