ધોરાજી નગરપાલિકામાં પોતાની પડતર માંગણીઓ અંગે આવેદનપત્ર આપવા પહોંચેલા સફાઈ કામદારો માટે દિવસ મુશ્કેલીભર્યો રહ્યો હતો. ચીફ ઓફિસરને રજૂઆત કરવા જઈ રહેલા પાંચથી સાત સફાઈકર્મીઓ અચાનક લિફ્ટમાં ફસાઈ ગયા હતા. ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ અધવચ્ચે અટકી પડતા અંદર રહેલા મહિલા અને પુરુષ કર્મીઓએ બચાવોની બૂમો પાડી હતી. લાંબો સમય લિફ્ટમાં બંધ રહેવાને કારણે ગૂંગળામણ થતા બે મહિલાઓ અને એક પુરુષ બેભાન થઈ ગયા હતા. અંતે ભારે જહેમત બાદ લિફ્ટના દરવાજા તોડીને તમામ સભ્યોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને ચીફ ઓફિસર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અસરગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.







































