ગોંડલ સિવિલ હોસ્પિટલ પાસે આજે સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. હોસ્પિટલ બહાર ઉભેલા GJ-15-X-1440 નંબરના આઈસર ટ્રકમાં જ્યારે ભંગાર ભરાઈ રહ્યો હતો, ત્યારે એક નશામાં ધૂત અજાણ્યા શખ્સે અચાનક ટ્રક ચાલુ કરી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આઈસર હોસ્પિટલની દીવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં હોસ્પિટલની દીવાલ ધરાશાયી થઈ હતી અને પાર્ક કરેલી એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે, ગીચ વિસ્તાર હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી નશાખોર શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









































