રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે અમરેલીના શાંતાબેન હરીભાઈ ગજેરા કેમ્પસ, વિદ્યાસભા ખાતે વિદ્યાર્થીઓ માટે વિશાળ નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પનું આયોજન શાંતાબા જનરલ હોસ્પિટલ તથા લાયન્સ ક્લબ અમરેલી મેઈનના સહયોગથી કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન આંખ, દાંત સહિત વિવિધ આરોગ્ય સંબંધિત નિષ્ણાત તબીબો દ્વારા વિદ્યાર્થીઓનું આરોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ કેમ્પસના હજારો વિદ્યાર્થીઓએ લીધો હતો. નિદાન દરમિયાન જે વિદ્યાર્થીઓમાં વધુ સારવારની જરૂરિયાત જણાઈ હતી, તેઓને જરૂરી તમામ સારવાર શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાશે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા તથા મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરાએ ડોક્ટરો, લાયન્સ ક્લબ અમરેલી મેઈનના હોદ્દેદારો, સ્વયંસેવકો અને સમગ્ર આયોજનમાં જોડાયેલા તમામ ટીમ સભ્યોને અભિનંદન પાઠવી તેમની સેવાભાવનાને બિરદાવી હતી.








































