રાજુલા તાલુકાના પીપાવાવધામમાં અપંગ પત્નીએ પોતાના બાળકોના જીવનનિર્વાહ માટે પતિ પાસે પૈસાની માંગણી કરતા, પતિ અને સાસુએ અમાનુષી ત્રાસ ગુજાર્યો હતો. પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાથી પત્નીને ઘરમાંથી હાંકી કાઢી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ હતી. હાલ વિકટર ગામે રહેતા ચંપાબેન મુકેશભાઇ મકવાણા (ઉ.વ.૪૧)એ પીપાવાવધામમાં રહેતા પતિ મુકેશભાઇ ગીગાભાઇ મકવાણા, સાસુ શાંતુબેન ગીગાભાઇ મકવાણા તથા મહુવાના રૂપલબેન સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ શારીરિક રીતે અપંગ છે. તેઓ પોતાના માસૂમ બાળકોના ભરણપોષણ અને જીવનનિર્વાહ માટે પતિ પાસે ઘરખર્ચના પૈસા માંગતા હતા. જોકે, આ બાબત તેના પતિ અને સાસુને બિલકુલ પસંદ પડી ન હતી. આથી તેઓએ મહિલાને અપંગતા બાબતે અને ઘરકામ મુદ્દે અવારનવાર મેણા-ટોણા મારવાનું શરૂ કર્યું હતું. તેના પતિને મહુવાની રૂપલબેન નામની સ્ત્રી સાથે પ્રેમસંબંધ હતો. પતિ આ બીજી સ્ત્રીને પોતાના ઘરમાં લાવવા માંગતો હતો. આ ષડયંત્રના ભાગરૂપે જ પતિ અને સાસુએ ફરિયાદી મહિલાને શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપી, યુક્તિ-પ્રયુક્તિ પૂર્વક ડરાવી-ધમકાવીને તેના પિયર કાઢી મૂકી હતી. ઉપરાંત પતિએ પત્નીને જાહેરમાં જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી અને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, જો તે ફરી ઘરમાં પગ મૂકશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.



































