લીલીયા તાલુકાના ક્રાકચ-ભોરીંગડા રોડ પર ખોડિયાર માતાજીના મંદિર નજીક બાવળા ડુંગરના પાણીમાં તણાઈ જતાં શિક્ષક જગદીશભાઈ કનુભાઈ રંગપરા (ઉં. ૪૦)નું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. તેઓ ભોરીંગડા નાલંદા વિદ્યાલયમાં સંચાલક તરીકે ફરજ બજાવતા હતા. પ્રાપ્ત વિગતો મુજબ જગદીશભાઈ તેમના એક સાથી સાથે શાળાના કામે મોટરસાઇકલ પર ક્રાકચ ગામ ગયા હતા. કામ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બપોરે આશરે ૪ઃ૩૦ વાગ્યે પાણી ભરાયેલા વિસ્તારમાં મોટરસાઇકલ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તેઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, મામલતદાર કચેરીનો સ્ટાફ અને પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લીલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.



































