અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બીડીકામદાર વિસ્તારમાં એક રહેણાંક મકાન પર રેઇડ પાડીને ૫ કિલો કરતાં વધુ સુકા ગાંજાના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડ્‌યો હતો. પોલીસે માદક પદાર્થ અને અન્ય સામગ્રી સહિત કુલ રૂપિયા ૨,૫૦,૬૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ઈશરાણી અને તેમની ટીમ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે રાજુલા-સાવરકુંડલા બાયપાસ રોડ નજીક આવેલા બીડી કામદાર વિસ્તારમાં કેફી પદાર્થનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મથુરભાઈ ધૈયાભાઈ શિયાળના મકાનમાં દરોડો પાડ્‌યો હતો. પોલીસે આરોપીના મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજાનો પેકેટમાં રાખેલો જથ્થો ઝડપી પાડ્‌યો હતો. તોલમાપ કરતાં આ જથ્થો કુલ ૫.૦૦૩ કિલોગ્રામ હોવાનું સામે આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે ૨,૫૦,૧૫૦ થાય છે. આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી નશાના કારોબારમાં વપરાતી અન્ય ચીજવસ્તુઓ પણ કબ્જે કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સ્થાનિક સ્તરે કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં રાજુલા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.